Get The App

કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગનાં ટ્વિટરમાં આફ્રિકન સિંહોનો ફોટો?

- ગુજરાતભરનાં સિંહપ્રેમીઓમાં રોષ ભભૂક્યો

- આફ્રિકાનાં સિંહોનો પ્રચાર કરાતા ફરી વિવાદનો વંટોળ

Updated: Dec 17th, 2021

GS TEAM

Google News
Google News
કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગનાં ટ્વિટરમાં આફ્રિકન સિંહોનો ફોટો? 1 - image


કેન્દ્ર સરકાર ગીરનાં સિંહો માટે પ્રોજેકટ લાયન લાવવાની તૈયારી કરે છે

વિસાવદર, :  કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આફ્રિકન સિંહ પરીવારનો ફોટો મૂકી "ધ હેપી ફેમિલી" તેવું લખવામાં આવ્યું છે. ફોટો મુક્યા બાદ તુરંત જ વિવાદનો મધપુડો છેડાયો છે. ટ્વિટર હેન્ડલ પર સિંહ પ્રેમીઓએ ભારોભાર વિરોધ નોંધાવી રોષ વ્યક્ત કર્યો છે. એક તરફ સરકાર ગીરના સિંહોનું સમગ્ર દેશ-દુનિયામાં ગૌરવ લઇ રહી છે, ખુદ સરકારનું જ વન અને પર્યાવરણ વિભાગ આફ્રિકાના સિંહોનો પ્રચાર કરે તે કેટલા અંશે વ્યાજબી તેવા સવાલો સિંહ પ્રેમીઓએ ઉઠાવ્યા છે.

એમઓઈએફ એન્ડ સીસી એટલે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જના સત્તાવાર ટ્વિટર પર ગત તારીખ 15ના એક માદા સિંહ અને બચ્ચાનો ફોટો ટ્વીટ કરી અને ક્યુટ ફેમીલી તેવું લખવામાં આવ્યું છે. આ બાદ તેમાં ભારે કોમેન્ટો થઈ રહી છે અને જેમાં સિંહ પ્રેમીઓએ ભારોભાર રોષ પણ ઠાલવ્યો છે. અવારનવાર આફ્રિકન સિંહોને એશિયાઈ સિંહો દર્શાવી પ્રજાને મૂરખ બનાવવાનું કામ ખુદ સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જ કરવામાં આવ્યું અને તેની માફી પણ માંગી હોવાના દાખલા છે તેવામાં વધુ એકવાર ખુદ કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગ એ જ આફ્રિકન સિંહોનો ફોટો મુકતા ભારે વિવાદ સર્જાયો છે.

    સિંહ પ્રેમીઓએ સવાલ ઉઠાવ્યા છે કે શું એશિયાઈ સિંહો ગૌરવ લઈ શકાય તેવા નથી. કેમકે એશિયાઈ સિંહોને બદલે આફ્રિકન સિંહોનો શા માટે પ્રચાર કરવામાં આવ્યો ? ભારત દેશમાં એશિયાઇ સિંહનો સારો એવો વસવાટ છે, વૃદ્ધિ થઈ રહી છે અને હજુ ખુદ વડાપ્રધાન પ્રોજેક્ટ લાયન લાવી સિંહોની સલામતી સુરક્ષા અને સંવર્ધન વધારવા માટે પ્રયાસો કરે છે ત્યારે કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ આફ્રિકન સિંહોનો શા માટે પ્રચાર કરે છે તેવા સવાલો સિંહપ્રેમીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે અગાઉ ગીર પશ્ચિમના ડીસીએફે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આફ્રિકન સિંહોનો ફોટો ટ્વીટ કર્યો હતો. ત્યારબાદ વાવાઝોડા સમયે સિંહો સલામત હોવાનું પ્રજાને મૂર્ખ બનાવવા આફ્રિકાના સિંહોને આકોલવાડીના સિંહ ગણાવી ખુદ અધિક મુખ્ય સચિવે ટ્વીટ કરતા વિવાદ છેડાયો હતો અને તેણે ટ્વિટ ડીલીટ કરી અને ખેદ વ્યક્ત કરવો પડયો હતો એટલે હવે વધુ એક વાર આફ્રિકન સિંહોને પ્રચાર કર્યો અને તેમાં હવે ગુજરાતના બદલે કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગે ગંભીર છબરડો કરતા સમગ્ર ગુજરાત અને દેશભરના સિંહ પ્રેમીઓ માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક આફ્રિકાના સિંહોનો પ્રચાર કરેલ ફોટો દૂર કરવામાં આવે. આ અંગે વડાપ્રધાન સુધી ફરિયાદોનો ધોધ પણ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Tags :