રાસાયણિક ખાતરમાં 30થી 70 ટકા ભાવ વધારાના મુદ્દે ખેડૂતોમાં રોષ
ખેડૂતોની આવક ડબલના બદલે જાવક ડબલ કરવા આગળ વધતી સરકાર કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી ખાતરનો ભાવ વધારો પરત ખેંચવા માંગ કરી
જૂનાગઢ, : સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાના બદલે ખેડૂતોનો ખર્ચ ડબલ થાય તે દિશામાં આગળ વધી રહી છે.અને રાસાયણીક ખાતરના ભાવમાં 30થી 70 ટકાનો ભાવ વધારો કર્યો છે. અને તેનું લિસ્ટ એગ્રો સેન્ટરને આપી દીધું છે જેની સામે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ મામલે આજે જૂનાગઢ આમ આદમી પાર્ટીના કિસાન સંગઠને કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી ખાતર પરનો ભાવ વધારો પરત ખેંચવા માંગ કરી હતી.
ગત એપ્રિલ માસમાં રાસાયણીક ખાતરના ભાવમાં 50 થી 60 ટકા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવતા આ ભાવ વધારાનો બોજ ખેડૂતોના માથે નહિ પડવા દેવામાં આવે અને સરકાર સબસીડી રકમ વધારી સરભર કરશે.એવી કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી હતી.પરંતુ હવે નવેસરથી ધીમી ગતિએ રાસાયણીક ખાતરના ભાવમાં વધારો કરવાનું યથાવત રાખ્યું છે. જેમાં તા. 1-1-2022 થી ખાતરનો ભાવ વધારો અમલી કરવા એગ્રો સેન્ટરને સૂચના આપવામાં આવી છે.
જેમાં એન.પી.કે ખાતરના ભાવ 1185 થી વધારી 1640 એટલે તેમાં 38 ટકા વધારો, એ.એસ.પી. ખાતરના 975ના વધારી 1320 જેમાં 35 ટકાનો વધારો, પોટાશ ખાતરના 1040 ના 1780 કરી તેમાં 70 ટકાનો વધારો કર્યો છે. આમ ખાતરના ભાવમાં સરેરાશ 30થી 70 ટકા વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાથી ખેડૂતોની આવક ડબલના બદલે જાવક ડબલ થઈ જશે.આ મુદ્દે આજે જૂનાગઢ આમ આદમી પાર્ટીના કિસાન સંગઠને કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી ખેડૂતો પર ખાતરના ભાવ વધારાનો બોજ ન નાખવા માંગ કરી છે.