દ્વારકામાં મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસનો કરાયો વિરોધ
- સાધુ-સંતો તથા અગ્રણીઓએ વ્યક્ત કર્યો રોષ
- જૂનાગઢ આહિર સમાજ તથા જૂનાગઢના સાધુ-સંતો અને આગેવાનોએ જવાબદારો સામે પગલા લેવાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર
જૂનાગઢ,તા. 22 જૂન, 2020, સોમવાર
દ્વારકામાં મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસના વિરોધમાં આજે જૂનાગઢમાં આહિર સમાજે કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો. જ્યારે ગત સાંજે સર્કિટ હાઉસ ખાતે સાધુ-સંતો અને આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં આ ઘટનાને વખોડવામાં આવી હતી. અને આજે સાધુ-સંતો તથા આગેવાનોએ પણ કલેકટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે પગલા લેવા માંગ કરી હતી.
દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણના દર્શનાર્થે ગયેલા મોરારિબાપુ પર સાંસદ સહિતના અગ્રણીઓની હાજરીમાં દ્વારકાના પૂર્વ ધારાસભ્યએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી સાધુ-સમાજમાં રોષ ફેલાયો હતો. આ ઘટનાના વિરોધમાં આજે જૂનાગઢ આહિર સમાજે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. અને તેમાં મોરારિબાપુ પર હુમલાના પ્રયાસમાં જે કોઈ પણ જવાબદાર હોય તેની સામે કડક પગલા લેવા માંગ કરી હતી.
જ્યારે ગત સાંજે જૂનાગઢના સાંજે જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે મહામંડલેશ્વર ભારતીબાપુની અધ્યક્ષતામાં સાધુ-સંતો તેમજ શહેરમાં રાજકીય-સામાજીક તથા અન્ય આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસને વખોડવામાં આવ્યો હતો. જ્યારે આજે સાધુ-સંતો તેમજ આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે કડક કાર્યવાહી થાય એવી માંગણી કરી છે.