FOLLOW US

બરડા અભયારણ્યમાં સિંહોનાં વસવાટ મુદ્દે ભાજપનાં જ સાંસદનો વિરોધ

Updated: Feb 24th, 2023


રાજ્ય અને કેન્દ્ર સરકારનો હકારાત્મક અભિપ્રાય પરંતુ આમતેમ ભટકતા સિંહો માટે એક માત્ર બચેલા વિસ્તારમાં વસવાટ માટેની વાતને સ્થાનિકોના વિરોધ બાદ રાજકીય રંગ લાગ્યો 

જૂનાગઢ, : ગીરના સિંહો નવી વસાહતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સિંહોને નવું ઘર આપવા માટે કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા બરડા વિસ્તારને સલામત અને સાનુકુળ માનવામાં આવે છે. પરંતુ હવે સમસ્યા એ ઉભી થઈ  કે ખુદ પોરબંદર વિસ્તારના ભાજપના જ સાંસદે સરકારમાં રજૂઆત કરી બરડા વિસ્તારમાં સિંહોની નવી વસવાટ  બંધ રાખવા સરકારમાં દંડો પછાડયો છે.

પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા ગુજરાત સરકારના વનમંત્રી મુળુભાઈ બેરાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના બરડા ડુંગર માલધારી, આદિવાસી વિકાસ ટ્રસ્ટ રાણાવાવ દ્વારા કરવામાં આવેલ રજૂઆત જેમાં રાણાવાવ તાલુકાના બરડા જંગલ વિસ્તારમાં સિંહ વસવાટ બંધ રાખવા અંગે સાંસદને રજૂઆત કરેલ છે અને જે રજૂઆતને ધ્યાને લઇ વનમંત્રીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે અને અંતમાં બરડા જંગલ વિસ્તારમાં સિંહનો વસવાટ બંધ રાખવા ખાસ ભલામણ કરી છે.

ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાના લોકો સિંહના આંટાફેરાનો વિરોધ કરતા નથી. પરંતુ રાજકોટ, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં જેવા સિંહોનો પ્રવેશ થાય તુરંત જ તેનો વિરોધનો વંટોળ શરૃ થઈ જાય અને સિંહોને તાત્કાલિક પકડી પાડવાની માંગણીઓ થાય છે. લોકોમાં સિંહનો ડર પેસી જાય છે જેના કારણે સરકાર રાજકીય દબાણમાં આવીને સિંહોને પકડી ફરી ગીરની બોર્ડર ઉપર અથવા ગીરમાં સિંહોને છોડે છે. ગીરમાં જ વસેલા સિંહો હવે પોતાનો એરીયો સતત વધારી રહ્યા છે. ગીરથી શરૃ કરેલી નવી ટેરેટરી છેક ભાવનગર જીલ્લો, રાજકોટ જીલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લા સુધી પહોંચી છે. પરંતુ ગીરની આસપાસના વિસ્તારો સિવાય રાજકોટ, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં તેનો વિરોધ થઈ રહ્યો છે.

સરકાર દ્વારા સિંહોની વસ્તી વધે તેનો હોશભેર ગૌરવ લેવામાં આવે છે. પરંતુ સિંહો પોતાના રહેણાંક માટે આમતેમ ભટકી રહ્યા છે. ગીરના સિંહને જંગલ હવે ટુંકુ પડી રહ્યું છે. નવા જંગલ માટેનો એકમાત્ર વિકલ્પ સરકારને બરડા અભયારણ્ય દેખાતું હતું. આ અંગે થોડા સમય પહેલા આવેલી કેન્દ્રના સાંસદોની વનવિભાગની બનેલી કમિટીએ પણ બરડા વિસ્તારમાં સિંહ માટે સાનુકૂળ વિસ્તાર હોવાનું જાહેર કર્યું હતું. તે વાતને કેન્દ્રના વનમંત્રીએ સમર્થન આપ્યું હતું અને ગુજરાતના વનવિભાગ દ્વારા વર્ષોથી બરડા વિસ્તારમાં સિંહોની નવી વસાહત કરવાની વાત વિચારણા હેઠળ છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લાના બરડા વિસ્તારમાં સિંહનો વસવાટ કરવા માટેની એકમાત્ર જગ્યા બચી છે. વનવિભાગ દ્વારા અંદાજિત ૪૨ વર્ષ પહેલા બરડા વિસ્તારને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો ત્યારે પણ તેની જૈવ વિવિધતાને ધ્યાને લઇ અને ખાસ સિંહોના નવા રહેઠાંણ તરીકે ભવિષ્યમાં આ વિસ્તારને ઉપયોગમાં લેવાની બાબતે અભયારણ્ય તરીકે બરડા વિસ્તારને જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ ૪૨-૪૨ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી સરકાર આ બાબતે કંઈ વિચારી શકી નથી અને સિંહને બરડામાં સ્થળાંતર કરવાની વાતના વિરોધ વચ્ચે આ સમગ્ર પ્રક્રિયા ટલ્લે ચડી ગઈ છે.

હાલમાં બરડા સિવાય અન્ય કોઈપણ અભયારણ્ય છે નહીં, અભયારણ્ય થઈ શકે તેવી પણ કોઈ જગ્યા નથી. ગીર બાદ બરડા, મીતીયાળા, ગિરનારને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું. હવે અભ્યારણ જાહેર કરવા માટે નવી કોઈ જગ્યા પણ નથી. લોકોના વિરોધ વચ્ચે સિંહને નવા રહેઠાંણ માટેની પ્રક્રિયા હજુ સુધી થઈ શકી નથી અને થાય તેવી પણ કોઈ શક્યતાઓ દેખાતી નથી. સિંહોના નામે ગૌરવ લેવામાં સૌ કોઈ હોશ દાખવી રહ્યા છે. પરંતુ સિંહની સાચી મુશ્કેલી રહેઠાંણની છે તે સમજવા વાળું કોઈ નથી તેવું લાગી રહ્યું છે.

સિંહોને જંગલ ટુંકુ પડતું હોવાથી દરરોજ રેવન્યુમાં, ખેતરોમાં, ગામડાઓમાં, ઘરમાં અને મકાનની ઉપર બેસવા સિંહો મજબૂર બની ગયા છે. પરંતુ હકિકતે સિંહોને તેનું રહેઠાંણ મળી જાય અને ત્યાં તેને ખોરાક-પાણી સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ થાય તો સિંહ શાંતિ પૂર્વક તેના ઘરમાં રહેવા તૈયાર છે. પરંતુ તેને સાનુકૂળ સલામત જગ્યા આપવાની ગૌરવ લેનાર સરકારની ફરજ છે તે ફરજ પૂર્ણ કરવામાં સરકાર નિષ્ફળ છે.

બરડા અભયારણ્યમાં કેવી વ્યવસ્થાઓ છે 

બરડા વિસ્તારમાં વૃક્ષો, સિંહોને અનુકૂળ વાતાવરણ, સિંહના માટે જરૃરી ખોરાક, ગીરમાં વસવાટ કરતા તૃણાહારી  પ્રાણીઓનો બરડામાં વસવાટ છે. પાણી માટે બિલેશ્વરી અને જોધરી નદી પણ આવેલી છે અને બરડા વિસ્તારમાં ખંભાલા અને ફોડારા નામના બે બંધ પણ આવેલા છે. આ તમામ બાબતોને ધ્યાને લઈ વર્ષો પહેલાં સરકારે તેને અભયારણ્ય જાહેર કર્યું પરંતુ અભયારણ્ય બિન ઉપયોગી બની ગયું છે. હવે આ અભયારણ્યમાં સિંહની વસાહત બનાવવાની વાતને રાજકીય રંગ લાગી ગયો છે.

કેટલા કિમી વિસ્તારમાં બરડો અભયારણ્ય છે 

સરકાર દ્વારા સિંહોની વસ્તી વધવાની વાતને ધ્યાને લઈ પોરબંદરના 282  ચોરસ કિલોમીટરના બરડાના ડુંગર વિસ્તારને ફેબુ્રઆરી ૧૯૭૯માં અભ્યારણ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં 4,000થી વધુ લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં 19મી સદીના અંત સુધી સિંહ જોવા મળ્યા હોવાનો ઇતિહાસ છે.

Gujarat
IPL-2023
Magazines