વંથલી ન.પા.નાં પૂર્વ પ્રમુખની હત્યામાં મદદગારી અંગે એક શખ્સની અટક
- હત્યામાં સામેલ જૂનાગઢના વધુ એક શખ્સનું નામ ખુલ્યું
- ધંધુસરના શખ્સે મુખ્ય આરોપી પોતાના બનેવીને નાસી જવા માટે મદદ કર્યાનું ખુલતા પોલીસ દ્વારા કાર્યવાહી
જૂનાગઢ,તા. 27 ઓગસ્ટ 2019, મંગળવાર
વંથલી ન.પા.ના પૂર્વ પ્રમુખ અને વકીલની હત્યા મામલે આરોપીઓને નાસી જવા માટે મદદગારી કરનાર ધંધુસરના શખ્સની પોલીસે અટકાયત કરી છે. આ હત્યામાં જૂનાગઢના રાણાવાવ ચોકમાં રહેતા એક શખ્સનું નામ પણ ખુલ્યું છે.
આ અંગેની વધુ વિગત મુજબ વંથલી ન.પા.ના તથા બાર એશો.ના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન દિપકભાઈ ઉર્ફે હિતેષભાઈ વડારીયાની ગત તા.૨૩ના સાંજે માણાવદર રોડ પર છરીના ઘા ઝીંકી હત્યા થઈ હતી. જમીનના ડખ્ખામાં થયેલી આ હત્યા મામલે જૂનાગઢના ભુપત નાગજી સુત્રેજા તથા અન્ય બે શખ્સો સામે ફરિયાદ થઈ હતી.
જૂનાગઢ એલ.સી.બી.ની ટીમે હત્યામાં સંડોવાયેલા ભરત ઉર્ફે ભટીયો શાંતીલાલ ચુડાસમા (ઉ.વ.૨૭) ને મુંબઈના વિરારમાંથી ઝડપી લીધો હતો. અને વંથલી પોલીસના હવાલે કર્યો હતો આજે પોલીસે ધંધુસરના નવઘણ કેશવ ચાંડેલાની અટકાયત કરી છે. આ અંગે એસ.પી. સૌરભસિંહે જણાવ્યું હતું કે, હત્યાનો મુખ્ય આરોપી ભુપત નાગજી સુત્રેજા આ નવઘણનો બનેવી થાય છે.
હત્યા બાદ નવઘણ ચાંડેલાએ ભુપત સુત્રેજા સહિતનાઓને નાસી જવામાં મદદ કરી હોવાનું ખુલ્યું છે. આથી તેની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત રાણાવાવ ચોક વિસ્તારમાં રહેતા કમલ મહેશ મહેતાનું નામ પણ ખુલ્યું છે. હાલ મુખ્ય આરોપી ભુપત નાગજી સુત્રેજા તથા કમલ મહેશ મહેતા ફરાર છે. જેને પકડવા એલ.સી.બી. એસ.ઓ.જી. તથા વંથલી પોલીસની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે.