મહિલા પી.એસ.આઈ. પર કાર ચડાવી કર્યો હત્યા કરવા પ્રયાસ
- જૂનાગઢમાં બુટલેગરો બન્યા બેફામ
- મહિલા ફોજદારે પેટ્રોલીંગ દરમ્યાન રોકવા પ્રયાસ કર્યો પરંતુ બુટલેગર ફોજદારના સ્કુટરને ઠોકર મારી નાસી ગયો
જૂનાગઢ, તા. 8 જુલાઈ, 2020, બુધવાર
જૂનાગઢમાં બુટલેગરો બેફામ બન્યા છે. શહેરના પંચેશ્વર રોડ પર મહિલા પી.એસ.આઈ.ે. કારને રોકવા પ્રયાસ કરતા બુટલેગરે મહિલા ફોજદારના સ્કૂટર પર કાર ચડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અને મહિલા ફોજદારને પગમાં ઈજા થઈ હતી. આ અંગે ફરિયાદ થતા પોલીસે બુટલેગર સામે ફરજમાં રૂકાવટ તથા હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ એ.ડિવિઝનના મહિલા પી.એસ.આઈ. વી.કે. ઉંજીયા તથા અન્ય પોલીસ કર્મીઓ પંચેશ્વરરો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ત્યાંથી પસાર થયેલી એક કારને રોકવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે રોકાઈ ન હતી. મહિલા ફોજદાર વી.કે. ઉંજીયા પાછળ હતા. આથી તેઓએ કાર રોકવા ઈશારો કરી પોતાનું એકટીવા આડે રાખ્યું હતું. કારમાં ગાંધીગ્રામ વિસ્તારનો બુટલેગર સંજય કરમણ મકવાણા હતો. પરંતુ તેણે કાર રોકવાના બદલે મહિલા ફોજદારની ઉપર ચડાવી દેવાના ઈરાદાથી તેના સ્કૂટરને ઠોકર મારી હતી. જેમાં સ્કુટરમાં નુકસાન થયું હતું. અને પી.એસ.આઈ. વી.કે. ઉંજીયાને ડાબા પગમાં ગોઠણના ભાગે ઈજા થઈ હતી. બાદમાં સંજય મકવાણાએ કાર ભગાવી મુકી હતી. પોલીસકર્મીઓ દ્વારા તેનો પીછો કરાયો હતો. પરંતુ તે નાસી ગયો હતો.
આ અંગે પી.એસ.આઈ. વી.કે. ઉંજીયાએ ગાંધીગ્રામ વિસ્તારના સંજય કરમણ મકવાણા સામે ફરિયાદ કરતા એ.ડિવિઝન પોલીસે તેની સામે હત્યાનો પ્રયાસ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢમાં બેફામ બનેલા બુટલેગરે મહિલા પી.એસ.આઈ. પર કાર ચડાવી કરેલા હત્યાના પ્રયાસથી પોલીસ બેડામાં ચકચાર વ્યાપી છે.