જૂનાગઢની લીલી પરીક્રમા આ વર્ષે પ્રતિકાત્મક રીતે યોજવાનો નિર્ણય
- જન આરોગ્યને ધ્યાને લઈ ભાવિકોને પરીક્રમામાં નહી આવવા અનુરોધ
- હિન્દુ સંસ્કૃતિની આસ્થાના પ્રતિક સમાન પરંપરા જાળવવા માટે ઉતારા મંડળ કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે પ્રતિક સ્વરૂપે યોજશે પરીક્રમા
જૂનાગઢમા ંદર વર્ષે દેવ દિવાળીથી ગિરનારની પરીક્રમા શરૂ થાય છે. પરંતુ આ વખતે પરિક્રમા પર પણ કોરોનાના ગ્રહણની અસર થશે. સરકાર દ્વારા પરિક્રમાને લઈને હજુ કોઈ ગાઈડ લાઈન નક્કી થઈ નથી. પરંતુ ભવનાથ ઉતારા મંડળે આજે લોકોના હિત માટે આ વર્ષે ભાવિકોએ પરિક્રમા કરવા ન આવવા અપીલ કરી છે. આ વર્ષે ઉેતારા મંડળ દ્વારા માત્ર પ્રતિકાત્મક પરિક્રમા કરી પરંપરા નિભાવવામાં આવશે.
જૂનાગઢના ગિરનાર પર્વતના ૩૬ કિ.મી.ના રૂટ પર દર વર્ષે કારતક માસમાં દેવ દિવાળીથી પૂનમ દરમ્યાન પરિક્રમા યોજાય છે. કુદરતના સાનિધ્ય માણવા સમગ્ર રાજ્યમાંથી દર વર્ષે હજારો ભાવિકો ઉમટી પડે છે. પરંતુ આ વર્ષે ગિરનાર પરિક્રમા પર પણ કોરોના મહામારીની અસર થશે. પરિક્રમામાં હજારો લોકો એકત્ર થાય છે. આથી તે કોરોના અંગેની ગાઈડ લાઈન મુજબ જોખમી છે. સરકાર દ્વારા હજુ સુધી પરિક્રમા અંગે કોઈ ગાઈડ લાઈન નક્કી કરવામાં આવી નથી. પરંતુ ભવનાથ જ્ઞાતી સમાજો- ટ્રસ્ટોના ઉતારા મંડળે કોરોનાના લીધે આ વર્ષે ભાવિકોે પરિક્રમા કરવા ન આવવા અપીલ કરી છે. તેમજ ભાવિકોને ભોજન ચા- પાણી સ્ટોલ, ઉતારની વ્યવસ્થા માટે રાજ્યભરમાથી આવતા અન્નક્ષેત્રોના સંચાલકોે પણ આ વર્ષે સેવા માટે ન આવવા જણાવ્યું છે.
જ્ઞાાતિ-સમાજ ટ્રસ્ટોના ઉતારા મંડળના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વેકરીયા, મંત્રી કાળાભાઈ સિંઘલ સહિતના હોદેદારોએ જણાવ્યું હતું કે પરિક્રમામાં સાત-આઠ લાખ લોકો એકત્ર થાય છે. કોરોનાના સમયમાં લોકોનું આરોગ્યના હિત માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ગિરનારની લીલી પરિક્રમાએ સનાતન હિન્દુ સંસ્કૃતિની આસ્થાનું પ્રતિક છે. ત્યારે આ પરંપરા જળવાઈ રહે તે માટે તા.૨૫-૧૧-૨૦૨૦થી ૩૦-૧૧-૨૦૨૦ દરમ્યાન તંત્ર સાથે સંકલન કરી માત્ર પ્રતિકાત્મક સ્વરૂપે ઉતારા મંડળ દ્વારા કોરોના ગાઈડ લાઈન સાથે પરિક્રમા થશે.
ઉતારા મંડળ દ્વારા આ અંગે કલેકટર, મુખ્ય વનસંરક્ષક, મુખ્યમંત્રીને પણ જાણ કરી છે.કોરોનાની સમાજીક ધાર્મિક પ્રસંગો પર અસર થઈ છે. આગામી પરિક્રમા પર પણ તેની અસર થશે. દર વર્ષે હજારો યાત્રિકો આવતા હોવાથી જૂનાગઢના અનેક ધંધાર્થીઓને તેનો લાભ મળતો હતો. પરંતુ કોરોનાના લીધે માત્ર પ્રતિકાત્મક સ્વરૂપે નાના મોટા ધંધાર્થીઓને નુકસાન થવાની સંભાવના દર્શાવવામાં આવી હતી.