આ વર્ષે પરિક્રમામાં કાયદાના પાલન અંગે ઉઠતા સવાલો
જૂનાગઢ, : કોરોનાની ગાઇડલાઇન અનુસાર કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનાર પરિક્રમા માત્ર ૪૦૦ સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક રીતે યોજાશે. ગિરનાર પરિક્રમા દરમિયાન સાધુ-સંતો સિવાય શ્રધ્ધાળુઓને ગીર અભ્યારણમાં પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. અને સાધુ સંતો સિવાય કોઈ પ્રવેશ કરશે તેની સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ પગલાં લેવામાં આવશે.
જૂનાગઢના ગિરનાર પર્વત ફરતે ૩૬ કિમી ના રૂટ પર દરવર્ષે કારતક સુદ અગિયાસરથી કારતક સુદ પૂનમ દરમિયાન ગિરનાર પરીક્રમા યોજાય છે. આ વર્ષે પણ કોરોના ગાઈડલાઈન મુજબ પરંપરા જાળવવા માટે ૪૦૦ સાધુ સંતોને પ્રતિકાત્મક પરિક્રમા કરવા મંજૂરી આપવામાં આવી છે. અને તા.૧૪ ના મધ્યરાત્રીએ સાધુ સંતોની પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ થસેન જેમાં સાધુ-સંતો સિવાય શ્રધ્ધાળુઓને ગિરનાર અભ્યારણમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જૂનાગઢના નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું કે સરકારના તા.૯/૧૧/૨૦૨૧ના પરિપત્ર મુજબ માત્ર ૪૦૦ સાધુ-સંતો દ્વારા જ આ વર્ષે પરંપરા જાળવવા પ્રતિકાત્મક પરિક્રમા યોજવાનો નિર્ણય લેવાયો છે.સાધુ સંતો સિવાય કોઇ વ્યક્તિ પ્રવેશ કરશે તો તો તેમની સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ મુજબ કાનુની કાર્યવાહી કરવામાં આવશે.
શિવરાત્રી મેળા વખતે પણ માત્ર સાધુ સંતો માટે જ મેળો યોજવા નિર્ણય થયો હતો. પરંતુ તેમાં પણ અનેક વગદારો ઘુસી ગયા હતા.અને શિવરાત્રીના રવેડી ૫૦ હજારથી વધુ લોકો તળેટીમાં પહોંચી ગયા હતા.ત્યારે હવે ગિરનાર પરિક્રમા કરવા ૪૦૦ સાધુ સંતોને જ મંજૂરી આપવામા આવી છે.ત્યારે હવે તેનો કેવો અમલ થાય છે તે જોવું રહ્યું.
પરંપરાગત પરિક્રમા પર નિયંત્રણ સામે લોકોમાં રોષ પરિક્રમાના નિયમોની જાણકારી નહીંં હોવાથી ભાવિકો પાછા ફર્યા : માત્ર સાધુ-સંતોને જ લીલી પરિક્રમાની મંજૂરી આપવામાં આવી હોવાથી વહેલા આવી જનારા ભાવિકો નિરાશ
જૂનાગઢ, : જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા માટે લોકો વહેલા આવી જાય છે. પરિક્રમામાં લોકોને જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ બાબતથી અજાણ અનેક યાત્રિકો આજે પરિક્રમા કરવા આવી ગયા હતા. પરંતુ ગેટ બંધ અને પરિક્રમામાં માત્ર ૪૦૦ સાધુસંતોને જ જવાની મંજૂરી મળી છે એવું જાણવા મળતા આ ભાવિકો નિરાશ થઈ પરત ફર્યા હતા.
ગિરનારની લીલી પરિક્રમા દરવર્ષે કારતક અગિયારસથી શરૂ થાય છે.પરંતુ ઉતાવાળીયા ભાવિકો સતાવાર રીતે પરિક્રમા શરૂ થાય તેના બે ત્રણ દિવસ પહેલા આવી જાય છે.પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાનું ગ્રહણ પરિક્રમાને પણ લાગ્યું છે.આ વખતે માત્ર ૪૦૦ સાધુ સંતોને જ પરિક્રમાં કરવા જવાની મંજૂરી આપવામાં આવી છે.અન્ય લોકોને ગિરનાર અભયારણ્ય અને પરિક્રમા રૂટ પર જવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ બાબતથી અજાણ બહારગામના અનેક ભાવિકો પરિક્રમા કરવા પ્રવેશદ્વાર પાસે આવી પહોંચ્યા હતા.પરંતુ તેઓએ પ્રવેશદ્વાર બંધ જોયો હતો.બાદમાં તેઓને માત્ર ૪૦૦ સાધુ સંતો ને જ પરિક્રમા માટે મંજૂરી મળી હોવાની અને લોકોને જવા પર પ્રતિબંધ છે તે અંગે જાણ થતાં તેઓ નિરાશ થઈ પરત ફર્યા હતા.પરંપરાગત રીતે વર્ષોથી ચાલી આવતી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે પણ ભાવિકો માટે બંધ રહેતા શ્રદ્ધાળુઓએ સરકારના આ નિર્ણય સામે રોષ વ્યકત કર્યો હતો.


