માંગરોળની બાળકી સહિત નવે'યનો કોરોનાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ
- જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ
- જૂનાગઢ શહેરના બે બાળકો સહિત સાત વ્યક્તિના સેમ્પલ લઈ ભાવનગર મોકલાયા. અત્યાર સુધીમાં એક પણ પોઝીટીવ રિપોર્ટ ન આવતા લોકોએ લીધો રાહતનો શ્વાસ
જૂનાગઢ, તા.15 એપ્રિલ 2020,બુધવાર
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ માંગરોળની એક સાત માસની બાળકી સહિત નવેય વ્યક્તિના ગઈકાલે સેમ્પલ લેવાયા હતા. આજે આ તમામનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. જ્યારે આજે જૂનાગઢના બે બાળક સહિત સાત વ્યક્તિના સેમ્પલ લઈ લેબમાં મોકલાયા છે. અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ સામે ન આવતા તંત્ર તથા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ માંગરોળની સાત માસની બાળકી, જૂનાગઢની બે વર્ષની બાળકી તથા એક વૃદ્ધ તથા એક પ્રૌઢ, વિસાવદરની મહિલા તથા માળીયા હાટીનાના એક વૃદ્ધને શંકાસ્પદ લક્ષણ જણાતા નવેયના સેમ્પલ લઈ ગઈકાલે ભાવનગર માઈક્રોબાયોલોજી લેબમાં મોકલાયા હતા. આજે આ નવેયનો કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
જ્યારે આજે જૂનાગઢના એક બાળક, એક બાળકી, એક વૃદ્ધ તથા માળીયા હાટીનાની એક બાળકી મળી કુલ સાત લોકોને શંકાસ્પદ લક્ષણ જણાતા તેના સેમ્પલ લઈ ભાવનગર લેબમાં મોકલાયા હતા.
અત્યાર સુધીમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ તેમજ જિલ્લામાં સર્વે દરમિયાન ૧૪૭ પુરૂષ તથા ૫૭ મહિલા મળી કુલ ૨૦૪ વ્યક્તિનાં સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૧૯૭ વ્યક્તિનો કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આવી ગયો છે. જ્યારે આજે મોકલેલા સાત સેમ્પલનો રિપોર્ટ આવતીકાલે આવશે.
આમ અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં એકપણ કોરોનાનો પોઝીટીવ કેસ આવ્યો નથી. જેને લઈને તંત્ર તથા લોકોએ રાહત અનુભવી છે.
સર્વેમાં 1391 ને તાવ તથા 2992ને શરદી-ઉધરસની અપાઈ સારવાર
જૂનાગઢ જિલ્લામાં ટેકો એપ મારફત ૭૦ મેડિકલ ઓફિસર, ૭૫ આયુષ તબીબો, ૪૫૦ આરોગ્ય કર્મીઓ તેમજ ૯૦૦ આશા બહેનોએ સર્વે કર્યો હતો. જેમાં ૧૩૯૧ વ્યક્તિને તાવ, ૨૯૯૨ વ્યક્તિને શરદી ઉધરસ હોવાનું સામે આવતા તેઓને સારવાર આપવામાં આવી હતી.
બહારથી આવેલા 22952 લોકોનાં આરોગ્યની કરાઈ તપાસ
જૂનાગઢ જિલ્લામાં અન્ય રાજ્ય તેમજ અન્ય શહેરમાંથી આવેલા ૨૨૯૫૨ મૂસાફરોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે.