જૂનાગઢ જિલ્લામાંથી લેવાયેલા તમામ 50 વ્યકિતના સેમ્પલનો નેગેટીવ રિપોર્ટ
- વધુ ૧૪ લોકોના સેમ્પલ લઇ લેબમાં મોકલાયા
- હોસ્પિટલમાં દાખલ ૧૩ દર્દીને કરાયા ડિસ્ચાર્જ, ૧૫ દર્દી આઇસોલેશન વોર્ડમાં દાખલ
જૂનાગઢ, તા. 18 એપ્રિલ, 2020 શનિવાર
જૂનાગઢ સહિત જિલ્લામાંથી ગઇકાલે શંકાસ્પદ લક્ષણ ધરાવતા આઠ મહિલા અને ૪૨ પુરૂષ મળી કુલ ૫૦ ના સેમ્પલ લેવાયા હતા. આ તમામનો આજે કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે વધુ ૧૪ લોકોના સેમ્પલ લઇ લેબમાં મોકલાયા હતા.
જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. ગઇકાલે જૂનાગઢ શહેરમાંથી નવ તથા જિલ્લામાંથી ૩૨ વ્યકિતને શંકાસ્પદ લક્ષણ જણાતા આરોગ્ય વિભાગ દ્વારા તેના સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા. અને લેબમાં મોકલાયા હતા. આજે આ તમામનો કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આવ્યો હતો. જેથી તંત્ર તથા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જ્યારે આજે જૂનાગઢ મનપા વિસ્તારના એક બાળક, આઠ પુરૂષ તથા બે વૃધ્ધ, ભેંસાણના એક મહિલા તથા માળિયાહાટીનાના એક પુરૂષના મળી કુલ ૧૪ વ્યકિતના સેમ્પલ લઇ લેબમાં મોકલવામાં આવ્યા છે.
આજે હોસ્પિટલમાં દાખલ ૧૩ દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. જ્યારે ૧૫ દર્દી આઇસોલેશન વોર્ડમાં દાખલ છે.
જૂનાગઢ જિલ્લામાંથી અત્યાર સુધીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા ૨૬૨ વ્યકિતના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૨૪૭નો કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે ૬ના રિપોર્ટ આવવાના બાકી છે.
જ્યારે જિલ્લામાં હાલ ૩૦૧ મહિલા અને ૮૮૦ પુરૂષ ક્વોરન્ટાઇન હેઠળ છે. ગઇકાલે જિલ્લામાં ૨૯૫ મહિલાઓ અને ૮૦૬ પુરૂષ ક્વોરન્ટાઇનમાં હતા. જ્યારે આજે વધુ છ મહિલા તથા ૭૬ પુરૂષોને ક્વોરન્ટાઇન કરાયા છે.