કેશોદમાં મુશળધાર 7, વિસાવદર, મેંદરડા અને માણાવદરમાં 4.5ઈંચ
- માંગરોળમાં ત્રણ, માળિયાહાટીના, વંથલી પંથકમાં અઢીથી ત્રણ ઈંચ
- માણેકવાડામાં મંદિરમાં વરસાદી પાણી ઘૂસી ગયા
જૂનાગઢ, રાજકોટ, તા. 6 જુલાઈ, 2020, સોમવાર
જૂનાગઢ જિલ્લામાં ગત મોડી રાત્રી દરમ્યાન મેઘસવારી યથાવત્ રહી હતી. ગત રાત્રીના દસ વાગ્યાથી આજે સાંજે ૬ સુધીમાં કેશોદ પંથકમાં ધોધમાર સાત ઈંચ વરસાદ થયો હતો. ગત રાત્રીના બેથી ચાર વાગ્યા દરમ્યાન માત્ર બે કલાકમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ પડતા ચારે તરફ પાણી-પાણી થઈ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળાઓમાં ભારે પૂર આવ્યું હતું. જ્યારે ખેતરોમાં દોઢ-બે ફૂટ પાણી ભરાયા હતા. જ્યારે માણેકવાડા માલબાપાના મંદિરે પરિસરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. આ ઉપરાંત અજાબ, શેરગઢ, કરેણી, અગતરાય, માણેકવાડા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ થયો હતો.
વિસાવદર પંથકમાં પણ ધોધમાર સાડા ચાર ઈંચ વરસાદ થયો હતો. જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદથી ઓઝત નદીમાં ઘોડાપુર આવ્યુ હતું અને ચોતરફ પાણી-પાણી થઈ ગયું હતું.
જ્યારે મેંદરડા પંથકમાં પણ સાડા ચાર ઈંચ જેટલો વરસાદ થયો હતો અને માણાવદરમાં પણ સાડા ચાર ઈંચ વરસાદ થતાં રસાલા ડેમ ફરી છલકાયો હતો અને બાંટવા ખારો ડેમ ઓવરફલો થઈ ગયો હતો.
આ ઉપરાંત માંગરોળમાં ગત રાત્રીથી આજે સાંજ સુધીમાં ત્રણ ઈંચ, માળિયાહાટીના પંથકમાં ચઢીથી ત્રણ ઈંચ, વંથલીમાં પણ અઢી ઈંચ, શાપરમાં ચારથી પાંચ ઈંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢમાં દોઢ, ભેંસાણમાં બે ઈંચ વરસાદ થયો હતો.
જ્યારે ગતરાત્રી દરમ્યાન ગિરનાર તથા દાતાર પર્વત વિસ્તારમાં છથી સાત ઈંચ વરસાદ થતા કાળવા તથા સોનરખ નદીમાં પ્રથમ વખત પાણી આવ્યું હતું.