Updated: Jan 26th, 2023
પૂરપાટ ઝડપે આવતા ટ્રકે સર્જી દીધો ગમખ્વાર અકસ્માત
રિક્ષા ચાલક સહિતનાં સવાર મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે કેશોદની હોસ્પિટલે ખસેડાયા
જૂનાગઢ: ચોરવાડ-ગડુ હાઈવે રોડ પર આજે સવારે ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૦ વ્યકિતઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. આ ગંભીર અકસ્માતમાં માતા-પુત્રીનાં મોત થયા છે અને આઠ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. જયારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક અકસ્માત સર્જી નાશી છુટયો છે. આ અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આજે સવારે ગડુથી ચોરવાડ તરફ જતી પીયાગો રિક્ષા અને ટ્રક ધડાકાભેર અથડાતા રિક્ષા ચાલક સહિત રિક્ષામાં બેસેલા આઠ મુસાફરોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે રિક્ષામાં સવાર બાલીબેન ઉર્ફે રાધાબેન ચૌહાણ(ઉ.વ.૪૪) અને તેની પુત્રી વર્ષાબેન સુલતનાભાઈ ચૌહાણ(ઉ.વ.૧૮) રહે. વેરાવળ વાળાનું ગંભીર ઈજાનાં થવાનાં કારણે ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.
જયારે રિક્ષામાં સવાર રોશનીબેન(ઉ.વ.ર), સચીન સુલતાનભાઈ(ઉ.વ.૧૧, રહે.વેરાવળ), સુલતાનભાઈ બાબુભાઈ(ઉ.વ.૩૪, રહે.વેરાવળ), રિક્ષાચાલક મનીષ ભીખારામ ગોંડલીયા રહે.આજોઠા, કરણ સુરેશ ચૌહાણ રહે.ગોરખમઢી, શારદાબેન પરમાર રહે.કારેજ, પરબતભાઈ પરમાર રહે.કારેજ અને રાહુલભાઈ પરમાર રહે.કારેજ આઠ મુસાફરોને ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર માટે કેશોદ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે ચોરવાડ પોલીસમાં રિક્ષામાં ચાલક મનીષ ભીખારામ ગોંડલીયાએ ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે. ટ્રકનો ચાલક રિક્ષા સાથે અકસ્માતમાં સર્જી નાશી જતા તેને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ ગઢવીએ હાથ ધરી હતી.