સુરત, રાજકોટ, શાપર, મોરબીથી વધુ 30 લોકો જૂનાગઢ જિલ્લામાં ઘુસી ગયા
- જિલ્લામાં લોકડાઉનનો ભંગ કરનાર 211 સામે ફરિયાદ
- સુત્રાપાડાના વાવડીથી માંગરોળ તાલુકાના આરેણા ગામે ચોરીછૂપીથી પરત આવેલા દંપતિ સામે પણ ગુનો દાખલ
જૂનાગઢ,તા. 24 એપ્રિલ 2020, શુક્રવાર
જૂનાગઢ જિલ્લામાં લોકડાઉન વચ્ચે અન્ય વિસ્તારમાંથી લોકો ઘુસી રહ્યાં છે. સુરત, રાજકોટ, શાપર, મોરબી સહિતના વિસ્તારમાંથી વધુ ૩૦ લોકો જૂનાગઢ જિલ્લામાં ઘુસી ગયા હતાં. જયારે સુત્રાપાડાના વાવડીથી ચોરી છુપીથી આરેણા ગામે પરત પહોંચી ગયેલા દંપતિ સામે પણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં લોકડાઉનનો ભંગ કરનાર વધુ ૨૧૧ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા હાલ લોકડાઉન છે. જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી. અને જિલ્લામાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં લોકો ચોરીછુપીથી જૂનાગઢ જિલ્લામાં ઘુસી રહ્યાં છે.
સુરતથી એક દંપતિ વિસાવદરના પ્રેમપરા, રાજકોટથી એક વ્યક્તિ વિસાવદર, રાજકોટથી ચાર વ્યક્તિ સાબલપુર ખાતે ચાર વ્યક્તિ, અમદાવાદના સાણંદથી મેંદરડાના આલીધ્રા આવતુ એક દંપતિ પકડાયું હતું. આ ઉપરાંત મોરબી, શાપર વેરાવળ કુતિયાણા, સહિતના વિસ્તારોમાંથી ૩૦ વ્યક્તિ ચોરી છુપીથી જૂનાગઢ જિલ્લામાં ઘુસી ગયા હતાં.
જયારે સુત્રાપાડા તાલુકાના વાવડીના યુવાનનો કોરોનાનો પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. તેમ છતાં વાવડી ગામેથી ચોરી છુપીથી માંગરોળ તાલુકાના આરેણામાં પરત પહોંચી જનાર દંપતિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જયારે જૂનાગઢ શહેર તથા જિલ્લામાં લોકડાઉન વચ્ચે આંટાફેરા કરતા અને જાહેરમાં એકત્ર થનાર ૨૧૧ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢમાં સોશીયલ ડિસ્ટન્સનો અમલ ન કરતા 27 લોકોને દંડ
જૂનાગઢ મનપા વિસ્તારમાં સવારે ૮તી ૧૨ દરમ્યાન લોકડાઉનના સમયમાં આવશ્યક ચીજવસ્તુની ખરીદી વખતે સોશીયલ ડિસ્ટન્સ રાખવા સુચના આપવામાં આવી છે. છતાં તેનો અમલ ન કરતા વધુ ૨૭ લોકોને આજે ૬૪૦૦ રૂપીયા દંડ કરાયો હતો.