ગિરનારનાં જંગલમાં ધર્મ-મંગલ, લીલી પરિક્રમામાં 2.50 લાખથી વધુ યાત્રિકો
- કારતક સુદ અગીયારસથી વિધીવત થયો પરિક્રમાનો પ્રારંભ
- વિધીવત પરિક્રમા શરૂ થાય તે પૂર્વે એક લાખ જેટલા યાત્રિકોએ નળ પાણીની ઘોડી વટાવી લીધી, મોડી રાત સુધી લોકોનો અવિરત પ્રવાહ તળેટી તરફ વહેતો રહ્યો
જૂનાગઢ, તા. 8 નવેમ્બર 2019, શુક્રવાર
જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાનો આજે મધ્યરાત્રીથી વિધીવત પ્રારંભ થયો હતો. પરંતુ ગતરાત્રીથી જ ગેટ ખોલી નાખવામાં આવતા પરિક્રમા એક દિવસ વહેલી શરૂ થઇ ગઇ હતી અને જંગલમાં મંગલ જોવા મળ્યું હતું. આજે ૨.૫૦ લાખથી વધુ યાત્રિકો ઉમટી પડયા હતા. જેમાંથી એકાદ લાખ યાત્રિકોએ તો નળ પાણીની ઘોડી પણ વટાવી લીધી હતી.
આજે મોડી રાત સુધી યાત્રિકોનો પ્રવાહ તળેટી અને પરિક્રમા રૂટ પર અવિરત વહેતો રહ્યો હતો. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગરવા ગિરનારની પરિક્રમા ગત મોડી રાત્રે શરૂ થઇ ગઇ હતી. વરસાદ અને વાવાઝોડાનું સંકળ ટળી જતા ગતરાત્રે બાર વાગ્યે પ્રવેશદ્વાર ખોલી નાખવામાં આવ્યો હતો અને જય ગિરનારીના નાદ સાથે યાત્રિકોએ પરિક્રમા શરૂ કરી હતી.
જ્યારે આજે કારતક સુદ પુનમના રાત્રીના પરિક્રમાનું ઔપચારિક રીતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું અને વિધીવત પરિક્રમા કરવા આવેલા લોકોએ રૂટ પર પ્રસ્થાન કર્યું હતું.
ગતરાત્રીથી પરિક્રમા શરૂ થઇ જતા જંગલમાં મંગલનો માહોલ જામ્યો છે. અન્નક્ષેત્રો, ઉતારા, ચા - પાણીના સ્ટોલ ધમધમતા થઇ ગયા છે. તો અમુક યાત્રિકોએ પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી ખાતે પડાવ નાખી જાતે રસોઇ બનાવી પ્રકૃતિના ખોળે વન ભોજનની મજા માણી હતી.
વન તંત્ર દ્વારા નળ પાણી ઘોડી ખાતે ગણતરી પોઇન્ટ શરૂ કરી દેવાયો છે. આજે સાંજ સુધીમાં એક લાખ જેટલા યાત્રિકોએ નળ પાણીની ઘોડી વટાવી લીધી હતી. જ્યારે દોઢેક લાખ યાત્રિકો મઢી તથા માળવેલા સહિતના જંગલ વિસ્તારમાં હોવાનું વન તંત્રના સુત્રોએ જણાવ્યું હતું.
આજે બપોર બાદથી મોડી રાત્રી સુધી યાત્રિકોનો અવિરત પ્રવાહ ભવનાથ તળેટી અને પરિક્રમા રૂટ પર વહેતો રહ્યો હતો.
આજે જેણે નળ પાણીની ઘોડી વટાવી લીધી છે. તેવા યાત્રિકો આવતીકાલે બોરદેવી થઇ પરત ભવનાથ પહોંચી પરિક્રમા પૂર્ણ પણ કરી લે તેવું અનુમાન છે.