વડોદરા, હરિયાણા અને અમદાવાદથી વધુ 21 લોકોની જૂનાગઢ જિલ્લામાં ઘુસણખોરી
- સરકારી મંજુરીની ઐસી કી તૈસી કરી બહારગામથી ઘૂસી આવતા સંખ્યાબંધ લોકો
- જિલ્લામાં જાહેરમાં આંટા મારતા તથા એકત્ર થયેલા 157 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ
જૂનાગઢ,તા.12 મે 2020, મંગળવાર
જૂનાગઢ જિલ્લામાં મંજૂરી વિના ઘુસણખોરીનો સિલસીલો યથાવત છે. વડોદરા, હરિયાણા, અમદાવાદ, સહિતના વિસ્તારમાંથી ૨૧ લોકો જૂનાગઢ જિલ્લામાં ઘુસી ગયા હતાં. તેની સામે ગુનો દાખલ કરાયો હતો. જયારે જાહેરમાં આંટા મારતા તથા એકત્ર થયેલા ૧૫૭ જેટલા લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં મંજુરી વિના બહારના જિલ્લામાંથી આવવા પર પ્રતિબંધ છે. તેમ છતાં રોજ અનેક લોકો ચોરીછુપીથી ગ્રામ્ય વિસ્તારનાં રસ્તાઓ પરતી જૂનાગઢ જિલ્લામાં ઘુસી રહ્યાં છે. રાજકોટ જિલ્લાના વિરપુરથી બે, રાજસ્થાનથી ત્રણ, વડોદરાથી ચાર લોકો જૂનાગઢ મંજુરી વગર આવી ગયા હતાં.
જયારે અરવલ્લીથી ભેંસાણના ચુડામાં એક, અમદાવાદથી ખંભાળીયામાં એક, હરિયાણાથી ચિરોડામાં એક તેમજ ગીર સોમનાથ જિલ્લામાંથી માળીયા હાટીના તાલુકાના પાણીધ્રામાં સાત શખ્સો ઘુસી ગયા હતાં. આ મામલે પોલીસે કુલ ૨૧ લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.
આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં જાહેરમાં માસ્ક વગર આંટા મારતા તથા એકત્ર થયેલા વધુ ૧૫૭ લોકો સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.