જૂનાગઢ, તા. 28 ઑગસ્ટ, 2020, શુક્રવાર
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર રોજ વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા સબ સલામતના દાવાઓ થઈ રહ્યા છે. આજે વિસાવદરના ધારાસભ્ય તેમના પત્ની અને પુત્રનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે વંથલી તથા વિસાવદર પોલીસ સ્ટેશનના આઠ-આઠ જેટલા પોલીસ કર્મચારી છેલ્લા બે-ત્રણ દિવસમાં કોરોનાથી સંક્રમિત થયા છે.
બે દિવસ પહેલાં જૂનાગઢ મનપાના એક નગરસેવકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે આજે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા તેના પત્ની નિશાબેન તેમજ પુત્ર રાજનનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા ધારાસભ્યનો પરિવાર હોમ ક્વોરન્ટાઈન થઈ ગયો હતો. તમામની તબીયત સ્થીર છે. તાજેતરમાં ધારાસભ્યના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરન્ટાઈન થવા અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત બે-ત્રણ દિવસ દરમ્યાન વિસાવદર-વંથલી પોલીસ સ્ટેશનના આઠ-આઠ પોલીસ કર્મી કોરોનાથી સંક્રમિત થયા હતા અને પોલીસ સ્ટેશનને સેનીટાઈઝ કરવામાં આવ્યા હતા. આમ કોરોના વોરીયર્સ ગણાતા પોલીસ કર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી જતાં ચિંતા વ્યાપી છે.
જૂનાગઢ જિલ્લામાં કોરોના મહામારી પર નિયંત્રણ આવે તે માટે સચિવની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ કોરોના પર નિયંત્રણ તો ન થયું પણ કોરોનાગ્રસ્ત દર્દીઓના નામ તો ઠીક સરનામા જાહેર કરવાનું પણ બંધ કરવામાં આવ્યું છે અને પ્રજાજનોને કોઈ માહિતી મળતી નથી. અનલોક થયા બાદ કોરોનાનો ચેપ વધ્યો છે અને લોકો મહામારીનો ભોગ બની રહ્યા છે, પરંતુ તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું છે. આવી સ્થિતિમાં લોકો રામભરોસે હોવાનો અહેસાસ કરી રહ્યા છે.


