મેંદરડા, 7 ઓગસ્ટ 2021 શનિવાર
મેંદરડા તાલુકાના માલણકા ગામના લાખા ઉર્ફે રવિ કરમણભાઈ ગુજરિયા(૧૨) અને કાના ભુરાભાઈ લાલુ(૧૫) નામના બે તરુણનાં મધુવંતી ડેમમાં ડૂબી જવાથી ઘટના સ્થળે મોત નીપજતાં અરેરાટી પ્રસરી ગઇ હતી.
આ બંને તરુણ નિત્યક્રમ મુજબ ઘરેથી ભેંસો લઈને અલગ-અલગ સ્થળોએ ચરાવતા હતા તે દરમિયાન ભેંસો મધુવંતી ડેમ તરફ ગઈ ત્યારે ભેંસો ડેમના પાણીમાં ઉતરી જતા એમને પાણીમાંથી બહાર કાઢવા માટે આ તરુણો એક પછી એક ડેમના પાણીમાં ઉતરતા ડૂબવા લાગ્યા હતા.
આસપાસ કોઈ પણ વ્યક્તિ ન હોવાથી બંને તરુણ ડૂબી ગયા હતા ત્યારબાદ ડેમ પર ભોળાભાઈ ધાનાભાઈ નામની વ્યક્તિને ખબર પડી હતી. તેમણે સ્થળ પર તપાસ કરતા બંને તરુણો પાણીમાં ગરકાવ થઈ ગયેલા માલૂમ પડ્યા હતા.
તાત્કાલિક આજુબાજુના લોકોને જાણ કરતા એકઠા થયા હતા. દરમિયાન શોધખોળ આદરતા એક તરુણની લાશ મળી આવી હતી. ભારે જહેમત બાદ બીજા તરુણનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ બનાવની જાણ મેંદરડા પોલીસને થતા તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરી નિવેદન નોંધી મેંદરડા સિવિલ હોસ્પિટલ ખાતે તબીબ સહિતના નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


