સરહદો 'સીલ'ના દાવોઓ વચ્ચે અનેક લોકોની જુનાગઢ જિલ્લામાં ધૂસણખોરી
- અત્યાર સુધી સુરક્ષીત રહેલા જૂનાગઢ જિલ્લામાં બહારથી આવતા લોકોથી કોરોનાનું જોખમ
કોરોનાના હોટસ્પોટ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાંથી કેશોદ, માળીયાહાટીના અને ભેંસાણ તાલુકામાં આવેલા નવ વ્યકિત સામે ગુનો દાખલ
જૂનાગઢ, તા. 17 એપ્રિલ, 2020, શુક્રવાર
જૂનાગઢ જિલ્લો અત્યાર સુધી કોરોનાથી સુરક્ષીત રહ્યો છે. પરંતુ હવે બહારથી આવતા લોકોના લીધે કોરોનાનું જોકમ સર્જાયું છે. જિલ્લાની સરહદો સીલ હોવાના દાવાએ વચ્ચે કોરોનાના હોટસ્પોટ અમદાવાદ, સુરત, રાજકોટ થી જૂનાગઢ જિલ્લામાં નવ વ્યકિત આવી ગયા હતા. જેની સામે ગુનો દાખલ કરાયો છે.હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર છે. તેમ છતાં હજુ સુધી જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ સામે આવ્યો નથી. અત્યાર સુધી કોરોનાથી સુરક્ષીત રહેલા જૂનાગઢ જિલ્લામાં હવે બહારના જિલ્લાઓમાંથી અનેક લોકો ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા જિલ્લાની સરહદો સીલ હોવાના તેમજ સ્ક્રીનીંગ થતું હોવાના અને હાઇવે પર ચેકીંગ થતું હોવાના દાવાઓ કરાઇ રહ્યા છે. તેમ છતાં અન્ય વિસ્તારમાંથી લોકો જૂનાગઢ જિલ્લામાં ઘૂસી ગયા છે.
કોરોનાના હોટસ્પોટ અમદાવાદ તથા સુરતથી કેશોદમાં ત્રણ, માળીયાહાટીનામાં નવ લોકો પહોંચી ગયા હતા. આ અંગે જાણ થતા પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો હતો.
જ્યારે ભેંસાણના ખજૂરી હડમતીયા ચેક પોસ્ટ પર સુરતથી બાઇક પર આવી પહોંચેલા મહિલા સહિત પાંચ વ્યકિતને પોલીસે પકડી લઇ તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી આરોગ્યની તપાસ કરાવી હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા સુચના આપી હતી.
જ્યારે જૂનાગઢના સરકારબાગ સંકુલમાં ત્રણ વ્યકિત અમદાવાદથી આવ્યા હતા અને તેઓ ફોરેસ્ટ ક્વાર્ટરમાં રહેતા કર્મચારીના સંબંધી હોવાથી ફોરેસ્ટ કર્મચારીઓએ તેને રોકવા પ્રયાસ કરતા ગેરવર્તન કર્યું હતું. આથી આર.એફ.ઓ.એ આ અંગે સી. ડિવીઝન પોલીસને જાણ કરી હતી.