Updated: Apr 9th, 2023
કેશોદ તાલુકાના સીમરોલી નજીક થયેલા અકસ્માતથી ગમગીની બપોર બાદ પરીક્ષા હોવાથી જૂનાગઢથી માંગરોળ કાર લઈને જતા હતા
જૂનાગઢ, : કેશોદ તાલુકાના સીમરોલી નજીક કાર પલ્ટી જતા માંગરોળ કોલેજે જતા એક પ્રોફેસરની મોત થયું હતું. જ્યારે અન્ય એક પ્રોફેસરનો બચાવ થયો હતો. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી. આ અંગે કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢનાં રાધાકૃષ્ણનગરમાં રહેતા અને માંગરોળ શારદા ગ્રામ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સતિષભાઈ બાલુભાઈ દવે (ઉ.વ. 58) અને પ્રોફેસર રમેશભાઈ મહેતાને પરીક્ષામાં બપોરબાદ ફરજ હોવાથી બપોરે સવા બારેક વાગ્યે જૂનાગઢથી માંગરોળ જવા કારમાં નીકળ્યા હતા.
તેઓ કેશોદ માંગરોળ રોડ સીમરોલી ગામ નજીક પહોંચ્યા ત્યારે કાર પરનો કાબૂ ગુમાવી દેતા કાર પલ્ટી મારી રોડ નીચે ફંગોળાઈ ગઈ હતી. જેમાં પ્રોફેસર સતિષભાઇ દવેને ગંભીર ઇજા થતાં 108માં કેશોદ સારવારમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પ્રોફેસર રમેશભાઈ મહેતાનો બચાવ થયો હતો.આ બનાવથી કોલેજમાં ગમગીની વ્યાપી ગઈ હતી. આ અંગે કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.