માલધારીએ લાકડીથી દીપડાનો સામનો કરી પુત્રને બચાવ્યો
- વિસાવદર તાલુકાના નાળીયેરા અભયારણ્ય વિસ્તારમાં
- વિસાવદરના રાજપરા રાઉન્ડમાં દીપડાએ હુમલો કરતા દસ વર્ષના માલધારી તરૂણને આંખ, ખંભા અને માથામાં ઈજા થઈ હતી.
દસ વર્ષના તરૂણ પર દીપડાએ હુમલો કરતા ડાબી આંખ, ખંભા તથા માથામાં ઈજા થતા સારવાર માટે જૂનાગઢ ખસેડાયો
જૂનાગઢ, તા. 30 જુલાઈ, 2020, ગુરૂવાર
વિસાવદર તાલુકાના રાજપરા રાઉન્ડના નાળીયેરા અભયારણ્ય વિસ્તારમાં આજે પિતા - પુત્ર માલઢોર ચરાવવા જતા હતા. ત્યારે દીપડાએ દસ વર્ષના તરૂણ પુત્ર પર હુમલો કર્યો હતો. પરંતુ માલધારીએ હિંમતભેર લાકડીથી દીપડાનો સામનો કરી દીપડાને ભગાડી પોતાના પુત્રને બચાવ્યો હતો. તરૂણને આંખ ખંભા તથા માથામાં ઈજા થતા તેને વિસાવદર પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયો હતો.
આ અંગેની વધુ વિગત મુજબ વિસાવદર રેન્જના રાજપરા રાઉન્ડનાં આવેલા કાદવાળી નેશમાં રહેતા માલધારી કરસનભાઈ ચાવડા તથા તેનો દસ વર્ષનો પુત્ર સાગર આજે પોતાના માલઢોરને ચરાવવા માટે નાળીયેરા અભયારણ્ય વિસ્તારમાં લઈ જતા હતા. કરસનભાઈ માલઢોર સાથે આગળ હતા. જયારે તેનો પુત્ર સાગર પાછળ આવતો હતો. ત્યારે અચાનક એક દીપડો ચડી આવ્યો હતો અને દસ વર્ષના સાગર પર હુમલો કર્યો હતો. સાગરે બુમાબુમ કરતા આગળ જતા તેના પિતા કરસનભાઈ ત્યાં પહોંચ્યા હતાં અને લાકડી વડે દીપડાનો સામનો કર્યો હતો. અને લાકડી ફટકારી પોતાના પુત્રને દીપડાના પંજામાંથી બચાવ્યો હતો. દીપડો ત્યાંથી નાસી ગયો હતો. પરંતુ સાગરને ડાબી આંખ, તથા ખંભા અને માથાના ભાગે ઈજા થઈ હતી.
આ અંગે જાણ થતા વનતંત્રનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. અને ઈજાગ્રસ્ત સાગરને વનવિભાગના વાહનમાં વિસાવદર સારવારમાં ખસેડાયો હતો. જયાંથી વધુ સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટમલાં ખસેડાયો હતો. આમ માલધારીએ લાકડીથી સામનો કરી પોતાના પુત્રને દીપડાના પંજામાંથી છોડાવ્યો હતો.