Get The App

સાધુ-સંતોની રવેડી બાદ મૃગી કુંડમાં સ્નાન સાથે મહાશિવરાત્રી મેળો પૂર્ણ

- ભવનાથ તળેટીમાં મેળાના અંતિમ દિવસે માનવ મહેરામણ, અંદાજે છ લાખ લોકો ઉમટયા

- રવેડીમાં દિગમ્બર સાધુ-સંતોની લાઠીદાવ, તલવારબાજી, અંગ કસરતના દાવ જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત, મેળો પૂર્ણ થયા બાદ રાતભર તળેટીથી જૂનાગઢ તરફ વહેતો રહ્યો લોકોનો પ્રવાહ

Updated: Feb 21st, 2020

GS TEAM

Google News
Google News
સાધુ-સંતોની રવેડી બાદ મૃગી કુંડમાં સ્નાન સાથે મહાશિવરાત્રી મેળો પૂર્ણ 1 - image


જૂનાગઢ, તા. 21 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

જૂનાગઢના ભવનાથ તળેટીમાં આજે મહાશિવરાત્રિ નિમીત્તે માનવ કીડીયારુ ઉભરાયું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. આજે રાત્રે જુના અખાડા ખાતેથી સાધુ-સંતોની રવેડી યોજાઈ હતી. જે તેના નિયમ રૂટ પર થઈ પરત ભવનાથ મંદિરે પહોંચી હતી. રવેડીમાં સાધુ-સંતોના અંગ કસરતના,  લાઠીદાવ તથા તલવારબાજી સહિતના કરતબો જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા. ભવનાથ મંદિર પરિસરમાં આવેલ મૃગીકુંડમાં શાહીસ્નાન કર્યું હતું. બાદમાં મહાઆરતી યોજાઈ હતી. એ સાથે મહા શિવરાત્રી મેળાની પૂર્ણાહૂતિ થઈ હતી.

જૂનાગઢના ગિરનારની ગોદમાં ચાલી રહેલા મહાશિવરાત્રી મેળામાં ગત સાંજથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. મોડીરાત્રીના તો મેળામાં ગત સાંજથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. મોડી રાત્રીના તો ભવનાથ તળેટીમાં હૈયુ હૈયુ દળાય તેટલી મેદની થઈ હતી. અને મોટા વાહનોને પ્રવેશ બંધી કરવી પડી હતી.

જ્યારે આજે મહાશિવરાત્રી નિમીત્તે પણ મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડયા હતા. સવારથી લોકોનો અવિરત પ્રવાહ તળેટી તરફ વહેતો રહ્યો હતો. લોકોએ ભવનાથ મહાદેવ તથા દિગમ્બર સાધુ-સંતોના દર્શન કરી બપોરે અન્નક્ષેત્રોમાં ભોજન પ્રસાદ અને ફરાળ  ખાધુ હતું. આ ઉપરાંત ભવનાથ શિવની ભાંગની પ્રસાદી લીધી હતી.

બપોરે તંત્ર દ્વારા રવેડીના રૂટ પર બેરીકેડીંગ ફકી દેવામાં આવ્યું હતું. રવેડીના રૂટની સફાઈ કરવામાં આવી હતી. જેનું કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશ્નર તુષાર સુમેરા તેમજ અન્ય અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. 

લોકો બપોરથી જ રવેડીના રૂટ આસપાસ તથા અગાસી પર ગોઠવાઈ ગયા હતા. અને કલાકો સુધી એક જ સ્થળે બેઠા રહ્યા હતા. આજે અંદાજે છ લાખ લોકો ઉમટી પડયા હતા. 

રાત્રીના  જુના અખાડા ખાતેથી શ્રી પંચ દશનામી જુના અખાડા, અગ્નિ અખાડા, આહ્વાન અખાડાના સાધુ-સંતો તથા કિન્નર અખાડાની બેન્ડવાજા સાથે રવેડી યોજાઈ હતી. જે જુના અખાડા ખાતેથી મંગલનાથ બાપુની જગ્યા પાસેથી થઈ દત્ત ચોક, ઇન્દુભારતીબાપુ ગેટ, આપાગીગા અન્નક્ષેત્ર નજીકથી થઈ ભારતી આશ્રમ પાસે થઈ ભવનાથ મંદિરે પરત પહોંચી હતી.

રવેડી દરમ્યાન દિગમ્બર સાધુ-સંતોએ તલવારબાજી, લાઠીદાવ તથા અંગ કસરતના દાવ રજૂ કર્યા હતા. સાધુ-સંતોના આ કરતબો જોઈ સૌઈકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 

રાત્રે રવેડી ભવનાથ મદિરે પરત પહોચ્યાં બાદ સાધુ-સંતોએ મૃગીકુંડમાં શાહીસ્નાન કર્યું હતું. બાદમાં મધ્યરાત્રીના ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી થઈ હતી. મહાઆરતી બાદ પાંચ દિવસીય મહાશિવરાત્રી  મેળો સંપન્ન થયો હતો.

મેળો પૂર્ણ થયા બાદ ભવનાથ તળેટીથી જૂનાગઢ શહેર તરફ આવવા માટે લોકોનો રાતભર અવિરત પ્રવાહ વહેતો રહ્યો હતો. રાત્રે દામોદરકુંડ, ગિરનાર દરવાજા, મજેવડી દરવાજા, કાળવા ચોક સહિતના સ્થળોએ ટ્રાફિક સર્જાયો હતો.

મેળામાંથી પરત આવેલા યાત્રિકોના લીધે બસ સ્ટેન્ડ ખાતે ભારે ગીરદી જોવા મળી હતી.  અમુક યાત્રિકો મહાશિવરાત્રી મેળો પૂર્ણ કરી સોમનાથ, પરબ, સતાધાર સહિતના સ્થળોએ જવા રવના થયા હતા. તો મોટાભાગના લોકો પોતપોતાના વતનની વાટ પકડી હતી.

ટ્રાફિકને ધ્યાને લઈ સવારથી જ વાહનોને પ્રવેશ બંધ

મહાશિવરાત્રી મેળામાં આજે લોકોની મેદનીના લીધે ભવનાથ તળેટીમાં માનવ કિડીયારૂ ઉભરાતું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. તળેટીમાં ભારે  ભીડના લીધે સવારથી જ ભરડાવાવ ખાતેથી વાહનોને પ્રવેશબંધી ફરમાવવી પડી હતી.

મેદનીને કારણે મોબાઈલ નેટવર્ક થઈ ગયું ઠપ્પ

ભવનાથ મહાશિવરાત્રી મેળામાં અંતિમ દિવસે ભારે મેદની ઉમટી પડી હતી. જેના લીધે મોબાઈલ નેટવર્ક ઠપ્પ થઈ ગયું હતું. અને તળેટીમાં રહેતા લોકોના સંપર્ક પણ થઈ શકતો નહોતો.

મહાશિવરાત્રી નિમીત્તે બપોર બાદ જૂનાગઢની બજારો રહી બંધ

દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે વેપારીઓ બપોર બાદ ધંધાચે રોજગાર બંધ રાખે છે. આ રિવાજ મુજબ આજે જૂનાગઢની મુખ્ય બજારો બંધ રહી હતી.

Tags :