જૂનાગઢના ભવનાથમાં આવતીકાલથી થશે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ
- હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે તળેટી
- સાધુ-સંતોએ ધૂણા કરી લીધા તૈયાર, ચકડોળ ગોઠવાઈ ગયા, અન્નક્ષેત્રોના સ્વયંસેવકો દ્વારા સીધો સામાન તળેટીમાં પહોંચાડી ભોજનની તૈયારીઓ કરી દીધી શરૂ
જૂનાગઢ, તા.15 ફેબ્રુઆરી 2020, શનિવાર
જૂનાગઢના ભવનાથ તળેટીમાં તા. ૧૭ના સોમવારથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે અને એ સાથે જ હરહર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠશે. સાધુ-સંતોએ ધુણા તૈયાર કરી લીધા છે. મેળા ગ્રાઉન્ડમાં ચકડોળ ગોઠવાઈ ગયા છે તો અન્નક્ષેત્રોના સ્વયંસેવકોએ સીધો-સામાન તળેટીમાં પહોંચાડી યાત્રિકોને ભોજન કરાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ગિરનારની ગોદમાં તા. ૧૭ના મહાવદ નોમથી દેવાધિદેવ શિવજીની આરાધનાના પર્વ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે. તા. ૧૭ના સોમવારે સવારે સાધુ-સંતો, અધિકારીઓ તથા રાજકીય-અગ્રણીઓની ઉપસ્થિતીમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ પાંચ દિવસીય મેળો શરૂ થશે અને હરહર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠશે.
તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આરોગ્ય, સફાઈ, પાણી સહિતની વ્યવસ્થા માટે વિવિધ સમિતીઓને કામગીરી સોંપવામાં આવી છે.
મેળા પૂર્વે સાધુ-સંતોનું આગમન થઈ ગયું છે અને તેઓએ પોતાના ધુણા તૈયાર કરી આસન જમાવી લીધું છે. જ્યારે મેળા ગ્રાઉન્ડમાં ચકડોળ તથા વિવિધ રાઈડસ તેમજ ખાણી-પીણી અને ઠંડા પીણા આઈસ્ક્રીમના સ્ટોલ પણ ગોઠવાઈ ગયા છે.
શિવરાત્રી મેળા દરમ્યાન નાના મોટા ૨૫૦ જેટલા અન્નક્ષેત્રો ધમધમશે. આજે અન્નક્ષેત્રોના સ્વયંસેવકોએ યાત્રિકોને ભોજન કરાવવા માટેનો સીધો-સામાન તળેટીમાં પહોંચાડી દીધો હતો અને સોમવારથી યાત્રિકોને ભોજન કરાવવા માટેની તૈયારીઓ શરૂ કરી છે.
મેળા દરમ્યાન તંત્ર દ્વારા તા. ૧૭, ૧૮ અને ૧૯ ફેબુ્ર.ના સાંજે ૭થી ૧૧ સુધી લોકડાયરો, સંતવાણી તથા હાસ્યરસ કાર્યક્રમ યોજાશે.
જ્યારે વિવિધ આશ્રમો તથા જગ્યાઓમાં રાતભર ભજન- સંતવાણી કાર્યક્રમ યોજાશે અને ભવનાથ તળેટીમાં સાંજ પડતા જ દિવસ ઉગ્યો હોય તેવો માહોલ સર્જાશે.
સતાધાર ધામ દ્વારા પણ ચાલુ કરાયું અન્નક્ષેત્ર
જૂનાગઢનાં ભવનાથમાં મહાશિવરાત્રિ નિમિતે સતાધાર ધામ અને આપાગીગાનો ઓટલો, ચોટીલા દ્વારા પ્રથમ વખત આજથી સાત દિવસ માટે અન્નક્ષેત્રનો પ્રારંભ કરાયો હતો. તા. ૧૮મીથી ૨૦મી સુધી દરરોજ રાત્રે ભજન અને સંતવાણી પણ યોજાશે. તા. ૧૭મીએ સોમવારે ધર્મધ્વજાનું આરોહણ કરાશે.