Updated: Mar 13th, 2023
બહેન માનેલી મહિલાએ પોત પ્રકાશ્યાનું કહીને રડતા સાધુનો પોતાને તેનાથી બચાવવાની અપીલ સાથેનો વીડિયો વાયરલ
જૂનાગઢ, : કેશોદનાં મોટી ઘંસારી ગામે આઈશ્રી કાદાવાળી ખોડીયાર માતાજી મંદિરનાં મહંત છેલ્લા બે-ત્રણ દિવસથી ગુમ થઈ ગયા છે. ગુમ થયેલ સાધુએ સોશ્યલ મીડિયા મારફત વીડિયો વાયરલ કરી જણાવ્યું છે કે, વિસાવદરની મહિલા પોતાને બ્લેકમેલ કરી રહી છે જેનાં ત્રાસથી તેઓ ગુમ થઈ ગયા છે. પોલીસને અનેકવાર અરજી કરી હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી તેવો આક્ષેપ કરી સાધુએ પોતાને બચાવવા અપીલ કરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મોટી ઘંસારી ગામે આઈ શ્રી કાદાવાળી ખોડીયાર માતાજી મંદિરનાં મહંત મોજગીરીએ સોશ્યલ મિડીયામાં પોતે રડતા-રડતા વિડીયો વાયરલ કર્યો છે. જેમાં તેઓ આક્ષેપ કરે છે કે, વિસાવદરનાં હનુમાનપરા વિસ્તારની મહિલા અને તેનાં જેઠ પોતાને ચારીત્ર બાબતે બ્લેકમેલ કરી રહ્યા છે. સાધુ મોજગીરી પોતે મહિલાને બહેન બનાવી રાખડી પણ બંધાવતા હતા છતાં પણ મહિલા સાધુને બ્લેકમેલ કરે છે. મહિલાનો જેઠ વિડીયો ઉતારી અને સાધુને ધમકાવે છે કે, તમારો વિડીયો ઉતરી ગયો છે. સાધુ મોજગીરી આક્ષેપ કરે છે કે, મહિલા અને તેનો જેઠ અનેક સાધુઓનાં વિડીયો ઉતારી બ્લેકમેલ કરવાનો ધંધો કરે છે.
મોટી ઘંસારીનાં સાધુ ગુમ થવાનાં કારણે તેનાં સેવકોમાં ચિંતા છે. સાધુ કોઈ અનિચ્છનીય પગલું ભરે તે પહેલા હેમખેમ પરત મળી જાય. મહિલા અને તેનાં જેઠ વિરૂધ્ધ અનેક વિસાવદર પોલીસમાં અરજીઓ થઈ છે છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેનાં કારણે સાધુને આપઘાત બનાવ મજબુર બનવું પડે તેવી સ્થિતી ઉભી થઈ છે. આ અંગે વિસાવદર પોલીસનાં જણાવ્યા પ્રમાણે સાધુની અરજી બાદ કેશોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. કેશોદ પોલીસે મોટી ઘંસારી ગામે જઈ તપાસ પણ કરી હતી પરંતુ સાધુ ત્યાં હાજર ન હતા.
પોલીસ દ્વારા સાધુ મોજગીરીનો સંપર્ક કરવામાં આવતા પોતે રાજકોટ હોય અને ફરિયાદ લખાવવા માટે વિસાવદર આવવા માટેની પોલીસને ખાત્રી આપી હતી. પરંતુ ગઈકાલ બપોર બાદ સાધુનો ફોન બંધ આવે છે અને તેનો કોઈ સંપર્ક થતો ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. સાધુને બ્લેકમેલ કરનાર મહિલાની વિરૂધ્ધ અનેક અનામી અરજીઓ વિસાવદર પોલીસને મળી છે. પણ કોઈ ફરિયાદ કરવા ન આવતા પોલીસ કોઈ કાર્યવાહી કરી શકતી નથી. સાધુ પોતે રડતા-રડતા મહિલા અને તેનાં જેઠ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની અપીલ કરી રહ્યા છે.