ઈનફાઈટમાં ઇજા થવાથી સિંહબાળ અને દિપડાના મોત
- મેંદરડા અને ચોરવાડ પાસેની ઘટના, વનતંત્રને દોડધામ
જૂનાગઢ, તા. 15 એપ્રીલ 2020, બુધવાર
મેંદરડા નજીક સાત મહિનાના સિંહબાળ તેમજ ચોરવાડ પાસે નવ વર્ષના દિપડાનો મૃતદેહ મળતા વનતંત્રને દોડધામ થઇ ગઇ છે. જો કે, પ્રાથમિક તપાસમાં બંનેનું મોત ઇનફાઇટમાં ઇજા થયા બાદ ઇન્ફેક્શનને કારણે થયાનું અનુમાન છે.
ગીર પશ્ચિમની ડેડકડી રેન્જમાં આવેલા માલણકા ગામની સીમમાંથી આજે સાતેક મહિનાના સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જાણ થતાં વન વિભાગની ટીમે દોડી જઇને મૃતદેહનો કબજો સંભાળી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ આજે ચોરવાડ નજીકના વિસણવેલ ગામની સીમમાંથી નવ વર્ષની વયના દીપડાનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. જેનો પણ વનવિભાગે કબજો લઈને તપાસ શરૂ કરી હતી.
વનવિભાગની પ્રાથમિક તપાસમાં સિંહબાળ અને દીપડાના મૃતદેહો પર ઇજાના નિશાન જણાયા હતા. જેથી ઈનફાઈટમાં બંનેને ઇજા થયા બાદ ઇન્ફેક્શનના કારણે મોત થયાનું તારણ નીકળ્યું છે.