Updated: Mar 24th, 2023
સુત્રાપાડા તાલુકાનાં ધામળેજ નજીક મારણની ઘટનાથી ગામ અને વાડી વિસ્તારના રહેતા લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો
ધામળેજ, :સુત્રાપાડા તાલુકાનાં ધામળેજ નજીક કણજોતર ગામે વાડી વિસ્તારમાં 15 ફૂટ ઉંચા ડેલાને ઠેકીને સિંહે ભેંસનું મારણ કર્યું હતું. આ ઘટનાથી ગામ લોકો અને વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોમાં ભયનો માહોલ પ્રસર્યો હતો.
છેલ્લા ઘણા દિવસોથી સુત્રાપાડા તાલુકાનાં સીમ વિસ્તારમાં સિંહનાં આંટાફેરા વધ્યા હોય તેમ ધામળેજ નજીક કણજોતર ગામે રહેતા અને ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરતા જેસીંગભાઈ સોલંકીએ માલઢોરને વન્યપ્રાણીઓનાં હુમલાથી બચાવવા પોતાની વાડીએ 15 ફૂટ ઉંચો ડેલો બનાવ્યો છે. ત્યારે આ 15 ફૂટ ઉંચા ડેલાને ઠેકીને સાવજે અંદર પ્રવેશી ભેંસનો શિકાર કરી તેનું મારણ કરતા ગામ અને વાડી વિસ્તારનાં લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આટલા ઉંચા ડેલાને ટપીને જો સિંહ મારણ કરતો હોય તો પોતાનાં આજીવિકા સમાન પશુધનને બચાવવા હવે કયો રસ્તો અપનાવવો એ ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. આ મારણની ઘટનાને પગલે વન વિભાગે વળતર માટેની કવાયત કરી હોવાનું જાણવા મળે છે.