જૂનાગઢ, તા. 24 જુલાઈ 2019, બુધવાર
જૂનાગઢ મહાનગર પાલિકામાં ભાજપની જીત બાદ આજે બહાઉદ્દીન કોલેજ ખાતે ઋણ સ્વીકાર સભા યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જૂનાગઢની જનતાએ જ ભરોસો મુક્યો છે તે એળે નહીં જાય. જૂનાગઢ મનપા પાછળ સરકાર ઉભી છે. જૂનાગઢને વિકાસની ચરમસીમાએ લઇ જઇ પ્રજાનું સવાયુ ઋણ અદા કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢના રેલવે ફાટક, ઉપરકોટ, નરસિંહ તળાવનો વિકાસ સહિતના કામો કરવામાં આવશે. તેમજ રસ્તા, ગટર લાઇટ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવાશે. જ્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના અંતિમ શ્વાસ માટેની શરૂઆત જૂનાગઢથી થશે તેવી વાત મે અગાઉ કરી હતી. તે સાચી સાબીત થઇ છે. આ ચૂંટણીથી ૨૦૨૨ ચૂંટણીની પાયો નખાયો છે. ચૂંટાયેલા નગર સેવકો પ્રમાણિકતાથી લોકોની સેવા કરશે એવી અમે ખાતરી આપીએ છીએ.
કોંગ્રેસ જૂથવાદથી ચૂંટણી હાર્યાનો સ્વીકાર કરે છે. પરંતુ કોંગ્રેસના પેટમાં પાપ છે. લોકો માટે સંવેદના નથી એટલે હારે છે.
કોંગ્રેસના નેતા, નીતિ વિહોણી છે તેથી અમારી જવાબદારી વધી છે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા નીતિ વિહોણી છે. ત્યારે પ્રજા પ્રત્યેની અમારી જવાબદારી વધી છે. લોકોએ જે વિશ્વાસ મુક્યો છે. તે જળવાઇ રહે તેવા પ્રયાસો કરશું.


