જૂનાગઢમાં આજે પણ 150 જેટલા સ્કૂલવાન રહેશે બંધ
- વાલીઓએ બાળકોને મુકવા જવું પડયુ
- વેકેશન તથા રજાઓની ફી વસુલતા સ્કૂલવાન ચાલકોને વાહનનું ટેક્સી પાસીંગ કરાવવામાં વાંધો
જૂનાગઢ, તા. 20 જૂન 2019, ગુરુવાર
જૂનાગઢમાં પોલીસ તથા આરટીઓની કાર્યવાહીના વિરોધમાં આજે સ્કૂલવાન ચાલકોએ બંધ પાળ્યો હતો. જેથી વાલીઓએ બાળકોને મુકવા જવું પડયું હતું. હજું આવતીકાલે પણ સ્કૂલવાન બંધ રહેશે. વેકેશન તથા રજાઓની ફી વસુલતા સ્કૂલવાન ચાલકો વાહનનું ટેક્સી પાસીંગ કરવામાં વધુ ખર્ચ થતો હોવાથી વાંધો ઉઠાવી રહ્યા છે.
જૂનાગઢમાં ચાલતા સ્કૂલવાનમાં વિદ્યાર્થીઓને ઠાંસી-ઠાંસીને બેસાડવામાં આવે છે. આ વાહનો મુસાફર પાસીંગ વાળા છે. તેનું ટેક્સી પાસીંગ ન હોવાથી પોલીસ તથા આરટીઓ દ્વારા આવા સ્કૂલવાનને ડિટેઈન તથા મેમો આપવાની કાર્યવાહી કરી હતી. જેના વિરોધમાં આજે ૧૫૦ જેટલા સ્કૂલવાન બંધ રહેતા વાલીઓએ બાળકોને મુકવા શાળાએ જવું પડયું હતું. હજુ આવતીકાલે પણ વાલીઓએ બાળકોને મુકવા જવું પડશે.
આરટીઓ તંત્રના જણાવ્યા મુજબ સ્કૂલવાન ટેક્સી પાસીંગના ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે વેકેશન તથા રજાની પણ ફી વસુલ કરતા વાન ચાલકો ટેક્સી પાસીંગનો ખર્ચ તથા તેનો વિમો પોષાય તેમ નથી અને તે મુજબ કરવા જઈએ તો વાલીઓને વધુ ફી ચૂકવવી પડે તેમ છે.