જૂનાગઢ મનપાએ કેબીનો - ઓટા હટાવી માન્યો દબાણ દૂર કર્યાનો સંતોષ
- અનેક ગેરકાયદે બાંધકામ, દબાણ દૂર કરવાના બદલે
- દબાણ દૂર કરવા નોટિસ આપ્યા બાદ પણ નથી થતી કોઈ કાર્યવાહી, નાના લોકો સામે નિયમોનો અમલ, વગદારોના દબાણ અંગે આંખ આડા કાન
જૂનાગઢ, તા.29 ફેબ્રુઆરી 2020, શનિવાર
જૂનાગઢમાં અનેક ગેરકાયદેસર બાંધકામ, દબાણો છે. પરંતુ તેને દૂર કરવાના બદલે આજે મનપાએ દસ જેટલી કેબીનો હટાવી ઓટા તોડી દબાણ દૂર કર્યાનો સંતોષમાની લીધો હતો. દબાણ દૂર કરવાની આખરીનોટિસ અપાયા બાદ પણ કાર્યવાહી થતી નથી. નાના લોકો સામે કાયદો નિયમોનો અમલ થયા છે. જયારે વગદારોએ કરેલા દબાણ અંગે આંખ આડા કાન કરાઈ રહ્યાં છે.
જૂનાગઢ મહાપાલીકાની દબાણ શાખા દ્વારા આજે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ટાઉનહોલ સામે પાર્કિંગની જગ્યામાં રાખેલી ૧૦ જેટલી કેબીનો હટાવી હતી. આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં આવેલી જગ્યા પર થઈ ગયેલી જમીન પરનું દબાણ ખુલ્લુ કરાવાયું હતું. તો એક ઓટો તેમજ એક પાકા ધુણાનો તોડયો હતો. જયારે સાબલપુર રોડ પર અડચણ રૂપ સિમેન્ટની ટાંકી દૂર કરાઈ હતી. જયારે સંવાદ કોમ્પ્લેક્ષની પાછળ રોડ પરની કેબીનો દૂર કરાઈ હતી.
આમ મનપાએ કેબીનો હટાવી તથા ઓટલા તોડી દબાણ દૂર કર્યાનો સંતોષ માની લીધો હતો. શહેરમાં અનેક જગ્યાએ વોકળાઓ પર ગેરકાયદેસર બાંધકામ થી ગયા છે. મનપા હસ્તકની જમીન પર દબાણ થઈ ગયું છે. પરંતુ તે દબાણ હટાવવાના બદલે મનપાએ કેબીન ધરાવતા નાના લોકો સામે કાયદા નિયમનો અમલ કર્યો હતો. જેને નોટિસ આપી છેતે દબાણ દૂર થયા નથી તેમ છતાં મનપા તે દિશામાં કોઈ કાર્યવાહી કરતી નથી. અને નાનાલોકો સામે કાયદાનો અમલ કરી વગદારો સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.