જૂનાગઢ મનપાની ચૂંટણી જે રીતે લડાઇ રહી છે તે દેશ તથા પક્ષના હિતમાં નથી
- ભાજપ હોય કે કોંગ્રેસ પાર્ટી મર્યાદા છોડી રહ્યા છે
- પૂર્વ આરોગ્ય મંત્રી અને જનસંઘી નેતા હેમાબેન આચાર્યએ વર્તમાન સમયમાં થઇ રહેલા રાજકારણ અંગે વ્યકત કર્યો પોતાનો અણગમો
જૂનાગઢ, તા. 19 જુલાઈ 2019, શુક્રવાર
જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણી તા. ૨૧ ના યોજાનાર છે ત્યારે આ ચૂંટણી અંગે પૂર્વ આરોગ્ય મંત્રી અને જનસંઘી નેતા હેમાબેન આચાર્યએ પોતાનો અણગમો વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે ભાજપ હોય કે કોંગ્રેસ બન્ને મુખ્ય પક્ષ મર્યાદા છોડી રહ્યા છે. હાલ મનપાની ચૂંટણી જે રીતે લડાઇ રહી છે તે દેશ તથા પક્ષમાં હિતમાં નથી. પક્ષ પલ્ટો કરાવી બહારના લોકોને લાવી પક્ષના વફાદાર કાર્યકરોને દર કિનાર કરવામાં આવે છે તે યોગ્ય નથી.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી ૨૧ જુલાઇના યોજાનાર છે. ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ૯ ઉમેદવારો ભાજપમાં જોડાઇ ગયા હતા. મહાપાલિકા ચૂંટણી અંગે પૂર્વ આરોગ્ય મંત્રી અને જનસંઘના નેતા હેમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, મનપાની ચૂંટણી જે રીતે લડાઇ રહી છે. તે દેશ તથા પક્ષના હિતમાં નથી. પહેલેથી જ ન થવાનું થઇ રહ્યું છે. ભાજપ હોય કે કોંગ્રેસ પક્ષ પોતાની મર્યાદા છોડી રહ્યા છે. પક્ષપલ્ટા કરાવી ભાજપમાં લાવવા એ કોઇ વિચારસરણીથી આવે છે કે જાય છે એવું નથી. પરંતુ પક્ષના વફાદાર કાર્યકરોને અવગણી જેની પરીપાટી ચોખ્ખી નથી તેને પક્ષમાં લાવવા યોગ્ય નથી.
ભાજપના નિરીક્ષકો સેન્સ લેવા આવ્યા અને ૩૦૦થી વધુ કાર્યકરોએ ટિકીટ માંગી હતી. પરંતુ પક્ષના સભ્ય ન હોય તેવા લોકોને ચૂંટણી લડાવવા મોકો આપ્યો અને પાયાના કાર્યકરોને અન્યાય કર્યો. આ પરથી તો પક્ષના કાર્યકરો પર વિશ્વાસ નથી અને તેથી જ અન્યને લાવવા પડે છે તેવું સાબીત થાય છે. આ બાબતથી પક્ષના કાર્યકરોનું મોરલ ડાઉન થાય છે. અને તેથી પક્ષ અને રાષ્ટ્રને નુકશાન થાય છે. લોકશાહી માટે આ યોગ્ય નથી.