જૂનાગઢ મનપા ચૂંટણીમાં ભાજપ અનેક કોર્પોરેટરોની ટિકીટ કાપે તેવી શક્યતા
- ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખરડાયેલી છબી સુધારવા
- આજે ચાર સ્થળોએ પ્રદેશના નિરીક્ષકો દ્વારા લેવાશે સેન્સ, મોટા ભાગના વર્તમાન નગરસેવકોની ટિકીટ કપાય તેવી પણ થતી ચર્ચા
જૂનાગઢ, તા. 21 જૂન 2019, શુક્રવાર
જૂનાગઢ મનપાની ચૂંટણી જુલાઈ માસમાં યોજાનાર છે ત્યારે આવતીકાલે તા.૨૨ જૂનના પ્રદેશ ભાજપના નરીક્ષકો ચાર સ્થળે દાવેદારોને સાંભળશે. આગામી ચૂંટણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખરડાયેલી છબી સુધારવા મોટા ભાગના વર્તમાન નગરસેવકોની ટિકીટ કાપી નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે એવી શકયતા છે.
આગામી જુલાઈ માસમાં જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. અને આગામી બે-ત્રણ દિવસમાં જ ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થશે. ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા મનપાની ચૂંટણી લડવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે પ્રદેશમાંથી આવેલા કોંગ્રેસના નિરીક્ષકોએ સ્થાનિક આગેવાનો કાર્યકરો સાથે બેઠક કરી હતી.
તો હવે આવતીકાલે તા.૨૨ જૂનના ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની સેન્સ લેવામાં આવશે. જેમાં વોર્ડ નં. ૧ થી ૪ ના દાવેદારોને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે, વોર્ડ નં. ૫ થી ૮નાં દાવેદારોને ઝાંઝરડા રોડ પર સતવારા સમાજ ખાતે, વોર્ડ નં. ૯થી ૧૨ ના દાવેદારોને સુરજ સિને પ્લેકસ ખાતે તથા વોર્ડ નં. ૧૩થી ૧૫નાં દાવેદારોને ઉનેવાળ બ્રહ્મસમાજ ખાતે પ્રદેશ નિરીક્ષકો સાંભળશે.
જૂનાગઢ મનપામાં છેલ્લા પાંચ વર્ષના ભાજપના શાસન દરમ્યાન ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો ઉઠયા હતાં. જેનાથી સરકાર તથા પ્રદેશનાં નેતાઓ નારાજ છે. આથી આગામી મનપાની ચૂંટણીમાં મોટાભાગના વર્તમાન નગરસેવકોની ટિકીટ કાપી નવા ચહેરાઓને સ્થાન નેવી વ્યુહરચના ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
તાજેતરમાં સાસણ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં જૂનાગઢના આગેવાનોની બેઠક મળી હતી. ત્યારે માત્ર ચારથી પાંચ અગ્રણીઓએ જ ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી હતી. બાકીના આગેવાનોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી હતી.