જૂનાગઢ મનપામાં 8 કરોડના બીલમાં ટકાવારી! વોટસઅપ ચેટીંગ વાઈરલ
- ભાજપનાં શાસનમાં કથિત ભ્રષ્ટાચાર ચર્ચાને ચકડોળે
- કોન્ટ્રાક્ટર અને નગરસેવકના પતિ વચ્ચે થયેલી ચેટમાં 45 લાખમાં સમાધાન અને દારૂ-નોનવેજની વાતોનો ઉલ્લેખ
જૂનાગઢ, તા. 29 જૂન 2019, શનિવાર
જૂનાગઢ મનપાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપના શાસનમાં કથિત ભ્રષ્ટાચારનો વધુ એક મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. જેમાં રૂા. ૮ કરોડનું બીલ પાસ કરવા માટે ટકાવારી મામલે કોન્ટ્રાક્ટર અને નગરસેવકના પતિ વચ્ચે વોટસઅપ પર થયેલુ ચેટીંગ વાઈરલ થયું છે. જેમાં દારૂ અને નોનવેજની વાતોનો અને મનપાના તથા અન્ય આગેવાનોનો પણ ઉલ્લેખ છે. આથી ચૂંટણી પૂર્વે સામે આવેલા આ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે.
વાઈરલ થયેલા વોટ્સઅપ ચેકિંગ મુજબ મહાપાલિકામાં એક કોન્ટ્રાક્ટરનું સાડા આઠ કરોડનું બાકી બીલ છે. તે પાસ કરવા માટે ૧૦ ટકા ટકાવારી માગવામાં આવી અને બાદમાં ૪૫ લાખમાં સમાધાન થયું. જેમાં ૨૫ લાખ પાર્ટી ફંડમાં તથા ૨૦ લાખ ઓફિસની ટકાવારી નક્કી કરાઈ હતી.
વાઈરલ થયેલા ચેટીંગ અંગે મનપાના વિપક્ષના નેતા સતિષભાઈ વિરડાએ જણાવ્યું હતું કે મનપાના પદાધિકારીઓના ભ્રષ્ટાચાર અંગે અમે અનેકવાર રજૂઆતો કરી હતી. પરંતુ કોઈ પગલા લેવાયા નથી ત્યારે આગામી ચૂંટણીમાં આ મુદ્દાને અમે પ્રજા સમક્ષ લઈ જશું અને ભ્રષ્ટાચારમાં જે કોઈ સામેલ હશે તેને ખુલ્લા પાડશું.
જેની સાથે વાતચીતનું ચેટીંગ વાઈરલ થયું છે તે નગરસેવકના પતિ વિજયભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે, મારે ક્યારેય કોઈ સાથે આવી વાત થઈ નથી. આ મેસેજ વાઈરલ થયો ત્યારે મને જાણ થઈ છે. આ મામલે પોલીસમાં તથા સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરાશે. ચૂંટણી આવી રહી હોવાથી મનપાના સતાધીશોને બદનામ કરવા કોઈએ આ ષડયંત્ર કર્યું હોઈ શકે છે. આગામી ૨૧ જુલાઈના જૂનાગઢ મનપાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ વોટસ એપ પર બિલ પાસ કરવા અંગે થયેલું ચેટીંગ વાઈરલ થતા આ મુદ્દો શહેરમાં ચર્ચાસ્પદ બન્યો છે.