જૂનાગઢ લોકસભા બેઠક પર ફરી એ જ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
- ભાજપ - કોંગ્રેસે 2014માં હતા તે ઉમેદવાર કર્યા પસંદ
- 2014માં 1.35 લાખ મતથી ભાજપના ઉમેદવારની જીત થઇ હતી તો 2017 વિધાનસભાની સાતેય બેઠક કોંગ્રેસે કબ્જે કરી હતી હવે શું થાય છે તે જોવાનું રહ્યું
જૂનાગઢ, તા. 31 માર્ચ 2019, રવિવાર
જૂનાગઢ લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે ૨૦૧૪માં હતા. તે ઉમેદવારની પસંદગી કરી છે. આથી આગામી ચૂંટણીમાં બન્ને પક્ષના એ જ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. ૨૦૧૪માં ૧.૩૫ લાખ મતની લીડથી ભાજપે જૂનાગઢ લોકસભા બેઠક પર જીત મેળવી હતી. તો ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં લોકસભા બેઠક હેઠળની તમામ સાત વિધાનસભા કોંગ્રેસે કબ્જે કરી હતી. હવે આગામી ચૂંટણીમાં શું થાય છે. તે જોવું રહ્યું.
જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ પક્ષ દ્વારા ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશની પસંદગી કરવામાં આવી છે. જયારે ભાજપ દ્વારા વર્તમાન સાંસદ રાજેશભાઇ ચુડાસમાને રિપીટ કર્યા છે. ગત ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસના આજ ઉમેદવારોની પસંદગી થઇ હતી. તે ચૂંટણીમાં ભા.જ.પ.ના રાજેશભાઇ ચુડાસમાને ૫,૧૩,૧૭૯ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઇ વંશને ૩,૭૭,૩૪૭ મત મળ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવારની ૧,૫૩,૮૩૨ મતની લીટથી જીત થઇ હતી.
લોકસભા ચૂંટણી બાદ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢ લોકસભા બેઠક હેઠળ આવતી સાતેય વિધાનસભા બેઠક કોંગ્રેસે કબ્જે કરી હતી.
આ ચૂંટણી પરથી લોકસભા ૨૦૧૪માં ભાજપનું પલડું ભારે રહ્યું હતું. તો ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પલડું ભારે રહ્યું હતું. આમ ભુતકાળની આ ચૂંટણીઓને ધ્યાનમાં લેતા આગામી લોકસભા ચૂંટણીના કાંટે કી ટક્કર થાય તેવી શકયતા છે. અને ચૂંટણીમાં કોનું પલડું ભારે રહે છે? તે જોવું રહ્યું!