સૌરાષ્ટ્રમાં મિશ્ર ઋતુ યથાવત: જૂનાગઢ ૧૪ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
રાજકોટ,તા.23 ફેબ્રુઆરી 2020 રવિવાર
સૌરાષ્ટ્ર હાલ મિશ્ર ઋતુના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. અંગ દઝાડવાથી ટાઢમાં ધુ્રજવા સુધી એમ બે છેડાનો અનુભવ થઈ રહ્યો છે. માર્ચના પહેલા અઠવાડીયા સુધી યથાસ્થિતિ જળવાશે તેવું હવામાન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. વિદાયગીત ગવાઈ ગયા પછી પણ શિયાળો રવાના થયો નથી ત્યારે આજે જૂનાગઢ ૧૪ ડિગ્રી તાપમાન સાથે સૌરાષ્ટ્રનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું.
જામનગરમાં ૧૫ ડિગ્રી, રાજકોટમાં ૧૫.૪ ડિગ્રી ટાઢ
જૂનાગઢમાં આજે મહત્તમ તાપમાન ૩૨.૪ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયું હતું. ગરવા ગિરનાર પર નવ ડિગ્રી ટાઢ નોંધાઈ હતી. પોરબંદરમાં મહત્તમ તાપમાન ૩૩.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૨.૮ અને લઘુતમ તાપમાન ૧૫.૬ ડિગ્રી નોંધાયું હતું. વેરાવળમાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયું હતું. મહુવામાં મહત્તમ તાપમાન ૩૪.૮ અને લઘુતમ ૧૬.૯ ડિગ્રી નોંધાયું હતું. કેશોદમાં મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૬.૯ ડિગ્રી નોંધાયું હતું. ડબલ ઋતુને કારણે રાતે સ્વેટર પહેરીને બહાર નીકળતા લોકો બપોરે ઘરમાં એ.સી. ચાલુ કરવા લાગ્યા છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બે દિવસ લગી તાપમાનમાં ખાસ ફેરફાર થશે નહીં. હાલ ઇશાનથી પૂર્વના પવનો ફુંકાઈ રહ્યા છે તે પ્રમાણે જારી રહેશે. ગુલાબી ઠંડીનો હજુ એકાદો રાઉન્ડ આવશે. પરંતુ પારો ૧૫ ડિગ્રીથી નીચે નહીં જાય. માર્ચના પ્રથમ અઠવાડીયા પછી ગરમી વધવા લાગશે.