આઝાદીને 7 દાયકા થવા છતાં જૂનાગઢને નથી મળતું શુદ્ધ પાણી
- આજે 9મી નવેમ્બરઃ જૂનાગઢનો આઝાદી દિવસ
- નગરપાલિકામાંથી મહાનગર બનવા છતાં પીવા લાયક પાણી રસ્તા, ગટર જેવી સુદ્રઢ પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ
જૂનાગઢ,તા. 8 નવેમ્બર 2019, શુક્રવાર
આવતી કાલે ૯ નવે.ના જૂનાગઢના આઝાદી દિવસની ઉજવણી થશે. જૂનાગઢ આઝાદ થયું તેને સાત દયકાથી વધુ સમય થઈ ગયો પરંતુ હાલ પણ શહેરના લોકોને ફિલ્ટર યુક્ત પાણી નસીબ થયું નથી. ન.પા. માંથી જૂનાગઢ મહાનગર બની ગયું તેમ છતાં પીવાલાયક પાણી, સારા રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી થઈ શકી.
૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના સમગ્ર દેશ આઝાદ થયો હતો. પરંતુ જૂનાગઢનાં નવાબે પાકિસ્તાર સાથે જોડાણ કરવાના કરેલા નિર્ણયથી જૂનાગઢ રાજ્યમાં અફડા તફડી ફેલાઈ હતી. આખરે જૂનાગઢ ૯ નવે.ના મુક્ત થઈ આઝાદ થયું હતું. જૂનાગઢ આઝાદ થયું તેને સાત દાયકા કરતા વધુ સમય વીતી ગયો છતાં શહેરના તમામ વિસ્તારોમાં લોકોને હજુ સુધી ફિલ્ટર કરેલું પીવાલાયક પાણી નસીબ થયું નથી.
જૂનાગઢ ન.પા. માંથી મહાનગર બન્યું તેને પણ દોઢ દાયકાથી વધુ સમય થઈ ગયો છે. વિકાસ વિકાસની વાતો કરતા લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાંખવામાં આવ્યો છતાં પીવાલાયક પાણી, ગટર, સારા રસ્તા જેવી સુવિધા ઉપલબ્ધ થઈ નથી. દર વર્ષ કરોડોના ખર્ચે રસ્તા બને છે. નબળા કામના કારણે સામાન્ય વરસાદ થતાં જ તૂટી જાય છે.
નબળી નેતાગીરીના અભાવે કોઈ એવા ઉદ્યોગો પણ નથી અને જે છે તે પણ સરકારની વિચિત્ર નીતિઓ અને મંદીના મારથી ઓકસીઝન પર ચાલી રહ્યા છે. તેમ છતાં વિકાસની ગુલબાંગો ફેંકવામાં આવી રહી છે. સહનશીલ પ્રજા મુંગા મોંઢે સહન કરી રહી છે.