mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

માણાવદરની હોસ્પિટલમાં ત્રણ પ્રસૂતાના મોત અંગે સિવીલના તબીબો કરશે તપાસ

તબીબની બેદરકારીના કારણે મોત થયાની પોલીસને ત્રણ અરજી

પોલીસે ખાનગી તબીબનું નિવેદન લઈ જિલ્લા આરોગ્ય અધિકારી તરફ મોકલ્યું, ભોગ બનનારા પરિવારોની ન્યાય માટે માંગ

Updated: Oct 31st, 2023

માણાવદરની હોસ્પિટલમાં ત્રણ પ્રસૂતાના મોત અંગે સિવીલના તબીબો કરશે તપાસ 1 - image


માણાવદરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા એક સપ્તાહમાં ત્રણ પ્રસૂતાના મોત થયા હતા. આ તબીબની બેદરકારીના કારણે મોટા થયાની ત્રણ ફરિયાદ અરજી થતા પોલીસે માણાવદરના ખાનગી તબીબનું નિવેદન લઈને જિલ્લા આરોગ્ય અધિકારી તરફ રવાના કર્યું હતું. જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ આ બાબતે સિવીલ હોસ્પિટલના તબીબોની ટીમ મારફત તપાસ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. ભોગ બનનાર પરિવારોએ ન્યાયની માંગ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

એક સપ્તાહમાં ત્રણ પ્રસૂતાના મોત થયા

માણાવદર તાલુકાના ભીંડોરામાં રહેતા અને ખેતમજૂરી કરતા રામભાઈ બચુભાઇ ડવના પત્ની પ્રવીણાબેન ગર્ભવતી બનતા તેઓને માણાવદરની ટ્યુલીપ હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે લાવવામાં આવતા હતા. ડો.જયદીપ ભાટુ અને ડો.દિશા જયદીપ ભાટુએ નિદાન અને રિપોર્ટના આધારે પ્રવિણાબેનની સંભવિત ડિલિવરીની 12-10-2023 આપી હતી. બાળક અને માતા સ્વસ્થ હોવાથી નોર્મલ ડિલીવરી થશે એમ કહ્યુ હતુ.તા.9-10-2023ના પ્રવિણાબેનના સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ડો.જયદીપ ભાટુ અને ડો દિશાબેન ભાટુએ નોર્મલ ડિલીવરી થઈ જશે. એમ કહી પ્રવીણાબેનને દાખલ કરી દીધા હતા. સાંજે પાંચેક વાગ્યે તબીબે નોર્મલ ડિલીવરી થશે નહિ, સિઝેરિયન કરવું પડશે. બાદમાં સિઝેરિયન કર્યું હતું. અને એક દીકરી અને દીકરાનો જન્મ થયો હતો. સિઝેરિયનના ત્રણ કલાક બાદ પ્રવીણાબેન બોલતા ચાલતા ન હતા. અને ખૂબ જ રક્તસ્ત્રાવ થયો હતો. બે ઇન્જેક્શન માર્યા બાદ પ્રવીણાબેનની તબિયત વધુ લથડી હતી. છતાં કોઈ તકલીફ નથી એમ કહી તબીબે ધ્યાન આપ્યું ન હતું. સવારે પાંચેક વાગ્યે પ્રવીણાબેનના પતિ રામભાઈ બોલાવવા ગયા ત્યારે તબીબ પોણો કલાક બાદ આવ્યા હતા. ત્યારે પ્રવીણાબેનનું હલનચલન બંધ થઈ ગયું હતું. ત્યારપછી તબીબે જૂનાગઢ લઈ જવા કહ્યું હતું. પ્રવીણાબેનને જૂનાગઢ લઈ જતા ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. 

જ્યારે માણાવદર તાલુકાના જીંજરી ગામના રાજગીરી મૂળગીરી મેઘનાથીના  ગર્ભવતી પત્ની ધર્મિષ્ઠાબેનની પણ નિદાન અને સારવાર માટે ન્યુ ટ્યુલીપ હોસ્પિટલમાં ચાલતી હતી. ડો.જયદીપ ભાટુ અને ડો.દિશા ભાટુએ ધર્મિષ્ઠાબેનની ડીલીવરીની સંભવિત તારીખ 21-10-2023 આપી હતી. પરંતુ તા.7-10-2023ના દુઃખાવો થતા ધર્મિષ્ઠાબેનને હોસ્પિટલમાં લઈ જતા ત્યાં ડો.જયદીપ ભાટુએ નિદાન કરી બાળકે મળ કરી લીધું છે. તરત જ ઓપરેશન કરવું પડશે. નોર્મલ ડિલીવરી કોઈ પણ સંજોગોમાં થશે નહિ, રાજગીરી ડરી ગયા હતા. તેઓએ કાગળમાં સહી કરી આપી હતી. રાત્રે 11 વાગ્યે ધર્મિષ્ઠાબેને પુત્રીને જન્મ આપ્યો હતો. તેઓને પણ ખૂબ રક્ત સ્ત્રાવ થયો હતો. ડો.જયદીપ ભાટુએ કોઈ તકલીફ ન હોવાનું જણાવ્યું હતું. અને હોસ્પિટલમાં રોક્યા હતા. આ સમય દરમ્યાન ધર્મિષ્ઠાબેનની તબિયત લથડી હતી. લેબ.ટેક્નિશયન ભૂમિબેને રિપોર્ટ કર્યા બાદ તબીબે ધર્મિષ્ઠાબેનને કમળો થયાનું કહ્યું હતું. બાદમાં રાજકોટ લઈ જવા કહેતા ધર્મિષ્ઠાબેનને રાજકોટ સિવીલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંના તબીબે ઓપરેશનમાં બેદરકારીના કારણે તબિયત લથડી છે. તમારો કર્સ બગડી ગયો છે. એમ કહ્યું હતું. જ્યાં ધર્મિષ્ઠાબેનનું સારવાર દરમ્યાન મોત થયું હતું. 

જ્યારે માણાવદર તાલુકાના કોઠારીયા ગામના ઉદયભાઈ કરશનભાઈ જાટીયાના પત્ની વૈશાળીબેન ગર્ભવતી હોવાથી તેઓનું રૂટિન નિદાન અને સારવાર ટ્યુલીપ હોસ્પિટલમાં કરવામાં આવતું હતું. ડો.જયદીપ ભાટુ અને  ડો.દિશા ભાટુએ સંભવિત ડીલીવરીની તા.04-11-2023 આપી હતી.તા.15-10-2023ના વૈશાલીબેનને દુઃખાવો થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં નિદાન બાદ ડિલિવરીનો સમય આવી ગયો છે. સવાર સુધી રાહ જુઓ નોર્મલ ડિલીવરી ન થાય તો સિઝેરિયન કરવું પડશે. 16-10-2023ના વૈશાળીબેનને નોર્મલ ડિલીવરી થઈ હતી. અને પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ વૈશાલીબેનની તબીયત લથડી હતી. બપોરે બે વાગ્યે આસપાસ વૈશાલીબેન બેશુધ્ધ થઈ ગયા હતા. ત્યારે તબીબે ડિલીવરી બાદ આવી હાલત સામાન્ય છે. ચિંતા ન કરો, એમ કહી બે ત્રણ ઇન્જેક્શન આપી બાટલો ચડાવ્યો હતો. ત્યારબાદ વૈશાળીબેનનું લોહીનો નમૂનો લેતા લોહી કાળું પડી ગયું હતું. ઉદયભાઇએ 108માં વૈશાલીબેનને જૂનાગઢ ખસેડયા હતા. જ્યાં વૈશાલીબેનને મૃત જાહેર કર્યા હતા. 

આ ત્રણ પ્રસૂતાના મોત મામલે રામભાઈ ડવ, રાજગીરી મેઘનાથી અને ઉદયભાઇ જાટીયાએ ટ્યુલીપ હોસ્પિટલના ડો.જયદીપ ભાટુ, ડો.દિશા જયદીપ ભાટુ અને લેબ ટેક્નિશયન ભૂમિબેન સામે માણાવદર પોલીસને લેખિત ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને પોલીસે ડો.જયદીપ ભાટુનું નિવેદન લઈ આરોગ્ય અધિકારી તરફ મોકલ્યું છે. આ અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ માણાવદરની હોસ્પિટલમાં ત્રણ પ્રસૂતાના મોત અંગે સિવીલ હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. હાલ આ બાબતે માણાવદર પંથકમાં ચકચાર વ્યાપી છે.

બે પુત્રી હતી અને જોડિયા બાળકોના જન્મથી પરિવારજનો માથે આભ તૂટી પડ્યું

ભીંડોરાના રામભાઈ ડવબે બે દીકરી હતી. ટ્યુલીપ હોસ્પિટલમાં એક દીકરી અને દીકરાનો જન્મ થયો હતો. પરંતુ આ બાળકોના માતાનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. રામભાઈ ડવે ગળગળા અવાજમાં જણાવ્યું હતું કે માતા વિહોણા આ બાળકોને કેમ મોટા કરવા એ સવાલ છે. મારા પરિવારની તો જીંદગી બગડી છે. ભવિષ્યમાં કોઈની સાથે આવું ન થાય તે માટે જવાબદારોને સજા કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે એવી માંગ કરી હતી.

હોસ્પિટલને બદનામ કરવા માટે ફરિયાદ કરાઈ છે: તબીબ

આ અંગે ડો.જયદીપ ભાટુએ જણાવ્યું હતું કે હોસ્પિટલને બદનામ કરવા માટે ષડયંત્ર છે. જે ફરિયાદ અરજી થઈ છે. તે પાયાવિહોણી છે. એનેસ્થેસિયા તબીબ વગર ઓપરેશન કરવાના આક્ષેપ અંગે તેઓએ એનેસ્થેસિયા તબીબ વગર ઓપરેશન શક્ય નથી.

Gujarat