જૂનાગઢના ટુર સંચાલક દ્વારા દુબઈ પ્રવાસે લઈ જવાના નામે 38 વડીલો સાથે 20.90 લાખની ઠગાઈ
- સિનીયર સિટીઝન મંડળના ૩૮ સભ્યો પાસેથી 66 હજાર રૂપિયા લઈ 11 હજાર પરત કરી બાકીના પૈસા પરત ન કર્યા અને પ્રવાસમાં પણ ન લઈ જતા થઈ ફરિયાદ
જૂનાગઢ,તા. 22 મે 2019, બુધવાર
જૂનાગઢના ટુર સંચાલકે સિનીયર સિટીઝન મંડળના ૩૮ સભ્યોને દુબઈ પ્રવાસમાં લઈ જવાનો વિશ્વાસ આપી કુલ ૨૫૦૮૦૦૦ રૂપિયા લઈ લીધા હતા. બાદમાં પ્રવાસમાં ન લઈ જઈ દરેક સભ્યેને ૧૧ હજાર પરત આપી બાકીની કુલ ૨૦,૯૦ લાખની રકમ પરત નહી આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના સિનીયર સિડીઝન મંડળ દ્વારા દુબાઈ પ્રવાસમાં જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આથી ગોવિંદભાઈ નરસિંહભાઈ મોવલીયાએ ટ્રાવેલ ટાઈમના સંચાલક સુનિલભાઈ તન્ના સાથે પ્રવાસનું નક્કી કર્યું હતું. સુનિલ તન્નાએ સિનીયર સિટીઝન મંડળને પ્રવાસમાં લઈ જવા વિશ્વાસ અને ખાતરી આપી હતી. અને ૩૮ સભ્યો પોસાથી ૬૬ હજાર રૂપિયા લેખે કુલ ૨૫૦૮૦૦૦ રૂપીયા લીધા હતા. બાદમાં દરેક સભ્યને ૧૧-૧૧ હજાર રૂપિયા પરત કરી પ્રવાસમાં લઈ જવાયા ન હતા. તેમજ બાકીની રકમ પણ પરત કરી ન હતી.
આ મામલે ગોવિંદ ભાઈ મોવલીયાએ ટ્રાવેલ ટાઈમના સુનિલ તન્ના સામે ૨૦,૯૦ લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.