For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લીલી પરિક્રમાનાં આયોજન માટેની બેઠકમાં અગ્રણીઓ અને સાધુ-સંતો વચ્ચે જીભાજોડી

Updated: Oct 29th, 2022


જૂનાગઢ કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી વહીવટી તંત્રને આડે આવી ગયા સાધુ-સંતો, વહીવટી વડાઓએ પોતાની મનમાની ચલાવવામાં મેળવી સફળતા

જૂનાગઢ, : જૂનાગઢમાં આગામી તા. 4થી  શરૂ થનાર ગીરનારની 36 કી.મી.ની લીલી પરિક્રમાના આયોજનની બેઠકમાં ઉગ્ર ચડભડ થઈ હતી. વહીવટી તંત્રને આકરા સવાલો કરતા સાધુ-સંતો ઉગ્ર બની અને વહીવટી તંત્રને આડે ઊભા રહી ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો. આ બેઠક દરમિયાન સામાજિક અગ્રણી-ધારાસભ્ય અને સાધુ સંતો વચ્ચે વાક્યુદ્ધ છેડાઈ ગયું હતું. જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓ આ સમગ્ર મામલે મૂછમાં હસતા જોવા મળ્યા હતા. સામાજિક અને રાજકીય આગેવાનોના આકરા સવાલોના જવાબ આપવામાં તંત્રને સાધુ સંતોએ બચાવી લીધા હતા.

કોરોનાનાં કપરાકાળમાં પરિક્રમા બંધ હતી, હવે ધામધૂમપૂર્વક પરિક્રમાની ઉજવણી કરવા માટે આયોજન અંગેની બેઠક મળી હતી. આ બેઠકની શરૂઆતમાં ભવનાથના સાધુ-સંતોએ લાઈટ, પાણી, રસ્તા, દવા, વાહન સહિતના અનેક મુદ્દે પહેલા તંત્રને રજૂઆતો કરી હતી. આ તમામ કામગીરીઓ તાત્કાલિક પૂર્ણ કરવા તંત્રને અપીલ કરી હતી. ત્યારબાદ સામાજિક અગ્રણી બટુકભાઈ મકવાણા દ્વારા વહીવટી તંત્ર ઉપર સવાલોનો મારો શરૂ થતા જવાબદાર અધિકારીઓએ જવાબ આપવાને બદલે સાધુ સંત પોતે જવાબ આપવા માંડયા હતા.

આ સમગ્ર મામલે જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી દરમિયાનગીરી કરતા હતા. આ દરમ્યાન બટુકભાઈ મકવાણાએ જણાવેલ હતું કે હું 15 વર્ષનો હતો ત્યારથી સ્વર્ગસ્થ ગોપાલાનંદ બાપુ સાથે પરિક્રમાના આયોજનમાં જોડાયેલો છું. જેથી સાધુ સંતોએ જણાવેલ હતું કે ગોપાલાનંદ બાપુ કોંગ્રેસી હતા અને તે તંત્રની આલોચના કરતા હતા. તંત્રએ જે સારી કામગીરી કરી છે તેને બિરદાવી જોઈએ. આ અંગે ધારાસભ્યએ દરમિયાનગીરી કરતા ધારાસભ્ય સાથે સાધુ સંતો ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા. આ સમગ્ર બનાવ જોઈને વહીવટી તંત્રના અધિકારીઓને મજા પડી ગઈ હતી.

સામાજિક અને રાજકીય આગેવાનોના આકરા સવાલોના જવાબ અને વહીવટી તંત્ર દ્વારા શું વ્યવસ્થાઓ શું કરવામાં આવી છે, તેમાં શું ત્રુટિઓ છે, તેની પોલ ખુલે તેમ હોય, પંરતુ સાધુ સંતોની ઓથ મળી જતા તંત્રના અધિકારીઓને જવાબ આપવામાંથી છટકબારી મળી ગઈ હતી. વહીવટીતંત્રને બદલે સાધુ-સંતોએ બેઠકનો મોરચો સંભાળી લીધો હોય તેવો ઘાટ સર્જાયો હતો.

ગીરનાર સાધુ મંડળે રજૂઆત કરતા જણાવેલ હતું કે ગીરનાર પર્વત પગથિયા પર શૌચાલય લાઈટ પાણી સહિતની સ્થિતિથી અવગત થવા ડોલી (પાલખી)માં બેસી નિરીક્ષણ કરવા સંતોનું સૂચન કર્યું હતું. ચારધામની યાત્રા દરમિયાન કાશ્મીરમાં સ્વાસ્થ્ય મંત્રી ખુદ ઘોડામાં જઈ નિરીક્ષણ કરે છે તો જવાબદાર અધિકારીઓ સંતો સાથે પણ નિરીક્ષણ કરે તેવી માંગ કરી હતી.

ભવનાથ વિસ્તારમાં પણ શૌચાલય બંધ હાલતમાં મહાનગરપાલિકા સંચાલિત શૌચાલયને લાગેલા તાળા ઉપરાંત પાણીની પણ વ્યવસ્થા ન હોવાની રજૂઆત થતા કલેકટરે મહાનગરપાલિકાને કમિશનરની હાજરીમાં જ કડક શબ્દોમાં શૌચાલય ચાલુ કરાવવા તાકીદ કરી ઠપકો આપ્યો હતો. રૂપાયતન રોડ ભગીરથ વાડી વિસ્તારોમાં ભૂગર્ભ ગટરને લઈ ખોદેલા ખાડાઓ પરિક્રમાર્થીઓને હાલાકી ભોગવવી પડશે તેવી રજૂઆત થતા તાત્કાલિક નીકાલ કરવા આદેશ થયો હતો.

Gujarat