કર્મચારી વર્ગ-4 નો હોવા છતાં વસાવી ઓડી. મર્સીડીઝ સહિતની વૈભવી કાર
- એ.સી.બી.ની તપાસમાં આવક કરતા 89.12 ટકા અપ્રમાણસર મિલ્કત મળી
- બાંટવા પી.જી.વી.સી.એલ. કચેરીના ઇલેકટ્રીક આસિસ્ટન્ટ સામે જૂનાગઢ એ.સી.બી.માં નોંધાયો અપ્રમાણ સર મિલ્કત અંગેનો ગુનો
જૂનાગઢ, તા. 8 નવેમ્બર 2019, શુક્રવાર
બાંટવામાં પી.જી.વી.સી.એલ. કચેરીના વર્ગ - ૪ ના કર્મચારીની મિલ્કત અંગે એ.સી.બી.એ તપાસ કરી હતી. જેમાં વર્ગ - ૪નો કર્મચારી હોવા છતાં તેની પાસે ઓડી - મર્સીડીઝ સહિતની વૈભવી કાર હતી. આ ઉપરાંત અન્ય રોકડ, મિલ્કત પણ મળી આવી હતી.
આ બાબતે યોગ્ય ખુલાસો ન કરી શકતા જૂનાગઢ એ.સી.બી.ના મદદનીશ નિયામકે ફરિયાદી બની અપ્રમાણસર મિલ્કત અંગેની ફરિયાદ કરતા એ.સી.બી.એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ એ.સી.બી.ને અપ્રમાણસર મિલ્કતના કેસ શોધવાની ઝુંબેશ દરમ્યાન ખાનગી સુત્રો દ્વારા બાતમી મળી હતી. જેમાં બાંટવા પી.જી.વી.સી.એલ.માં ઇલેકટ્રીક આસિસ્ટન્ટ વર્ગ - ૪માં ફરજ બજાવતા ભરત સાજણ ગરચર પાસે અપ્રમાણસર મિલ્કત હોવાનું જણાવવામાં આવ્યું હતું.
જેના આધારે જૂનાગઢ એ.સી.બી.ના મદદનીશ નિયામક બી.એલ. દેસાઇએ તપાસ હાથ ધરી હતી અને અંદાજે પાંચ માસની તપાસ બાદ વેરાવળ રહેતા અને બાંટવા પી.જી.વી.સી.એલ. કચેરીમાં વર્ગ ૪માં ઇલેકટ્રીક આસિ. તરીકે ફરજ બજાવતા ભરત સાજણ ગરચર પાસે તેના હોદા અને ફરજના કાયદેસરની આવકના સ્ત્રોતમાંથી થયેલા આવકના પ્રમાણમાં એક કરોડ ત્રણ લાખ બાવીસ હજાર પાંચસો સતાણુ રૂપિયાની અપ્રમાણસર મિલ્કત હોવાનું ખુલ્યું હતું. જે તેની આવક કરતા ૮૯.૧૨ ટકા વધુ હતી.
એ.સી.બી.ની તપાસમાં વર્ગ - ૪ ના કર્મચારીએ ઓડી, ફોર ચ્યુનર, એન્ડેવર, ઇનોવા તથા મર્સીડીઝ જેવી વૈભવી કાર વસાવી હોવાનું તેમજ વેરાવળ અને જૂનાગઢ જિલ્લામાં સ્થાવર મિલ્કત તથા સોનાના કિંમતી દાગીનાઓમાં પણ રોકાણ કર્યાનું ખુલ્યું હતું. બેન્ક ખાતાની તપાસ કરતા તેમાં ૬૫,૮૦,૨૦૦ જેટલી માતબર રકમ જમા કરાવી હોવાનું ખુલ્યું હતું. તેમજ તેના તથા તેના પરિવારના સભ્યોના ખાતામાં ૨૦૧૪થી ૨૦૧૯ દરમ્યાન ૯૪,૨૫,૮૪૦ની મિલ્કત ખરીદ અને રોકડ જમા કરેલી છે. આ સમય દરમ્યાન ૧૨.૯૮ લાખની રોકડનો ઉપાડ કરેલો છે. આ અંગેના નાણાકીય સ્ત્રોત અંગે કોઇ નાણાકીય દ્રષ્ટી કોણથી સ્વીકારી શકાય તેવો સંતોષકારક ખુલાસો કરી શક્યા ન હતા.
એ.સી.બી.ને ભરત ગરચરે પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરી ગેરકાયદેસર રીતે નાણા મેળવી પોતાના તથા પત્ની અને ભાઇના નામે રોકાણ કરી અપ્રમાણસર અને બેનામી મિલ્કત વસાવી હોવાનું જણાતા એ.સી.બી.ના મદદનીશ નિયામક બી.એલ. દેસાઇએ સરકાર તરફે ફરિયાદી બની વીજ તંત્રના વર્ગ - ૪ ના કર્મચારી ભરત સાજણભાઇ ગરચર વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે અને આ અંગેની તપાસ ગીર સોમનાથ એ.સી.બી. પી.આઇ.ને સોંપવામાં આવી છે.