જૂનાગઢમાં પરિણીતા પર દુષ્કર્મ ગુજારી 70 હજાર પડાવી લીધા
- પરિણીતાએ માંગરોળના શખ્સ સામે ફરિયાદ નોંધાવી પજવણી કરી પોતાને તથા બાળકોને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ
જૂનાગઢ, તા. 28 જૂન, 2020, રવિવાર
જૂનાગઢમાં માંગરોળની પરિણીતાને ફોટો વિડીયો વાઈરલ કરવા તથા તેના બાળકોને ધમકી આપી પજવણી કરી દુષ્કર્મ ગુજારી ૭૦ હજાર રૂપિયા પડાવી લઈ ધમકી આપ્યાની ફરિયાદ થતા સી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ માંગરોળમાં રહેતી એક પરિણીતાને લુહારવાડા વિસ્તારમાં રહેતા બુરહાન ઈકબાલ મિયા કાદરીએ ધાક ધમકી આપી જૂનાગઢના સરદારબાગ પાછળના વિસ્તારમાં ભાડાના મકાનમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં મહિલાની પાછળ-પાછળ જઈ તેણીની પજવણી કરી હતી. અને સંબંધ ન રાખે તો અગાઉ તેના ફોનમાં પાડેલા ફોટા તથા વિડિયો ક્લીપ વાઈરલ કરી બદનામ કરવા ધમકી આપી હતી. અને મહિલા પાસેથી બળજબરીથી ૨૫ હજારની કિંમતનો ૧૧ ગ્રામનો સોનાનો ચેન પડાવી લીધો હતો. બાદમાં તે પરત આપી દીધો હતો. ત્યાર બાદ મહિલાને ડરાવી ધમકાવી ૭૦ હજાર રૂપિયા પડાવી લીધા હતાં.
ગત જાન્યુ ૨૦૧૮ થી ૨૦ જૂન ૨૦૨૦ સુધી બનેલી આ ઘટના અંગે મહિલાએ બુરહાન કાદરી સામે ફરિયાદ કરતા સી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાધ ધરી છે.