જૂનાગઢમાં ચંદન ચોર ટોળકી સક્રિય 6 વૃક્ષોનું છેદન કરી લાકડાની ચોરી
- અવારનવાર ચંદનના કિંમતી લાકડા ઉઠાવી જનારા તસ્કરો સામે રોષ
- ભવનાથમાં ચંદનના વૃક્ષો કટરથી કાપી તસ્કરો લાકડા ઉઠાવી ગયાઃ
અગાઉ દાતાર નજીક ચંદન વૃક્ષની ચોરી કરતી ટોળકી પકડાઈ હતી
જૂનાગઢ, : જૂનાગઢ આસપાસના વિસ્તારમાં ફરી ચંદનચોર ટોળકી સક્રિય બની છે.ગતરાત્રે ભવનાથમાં લાલઢોરી નજીક ચંદનના છ વૃક્ષોનું છેદન કરી કિંમતી લાકડાની ચોરી થઈ હતી.અવારનવાર ચંદનના વૃક્ષ કાપી લાકડાની ચોરી થતી હોવાથી રોષ ફેલાયો છે.આ મામલે વનતંત્રને જાણ થતાં ચંદનચોરોને પકડવા તપાસ શરૂ કરી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ ગિરનાર જંગલ તેમજ ભવનાથ વિસ્તારમાં ચંદનના અનેક વૃક્ષ આવેલા છે.આ ચંદનના કિંમતી વૃક્ષ ચંદનચોરી કરતી ટોળકીની નજરમાં આવી ગયા છે.ગત રાત્રી દરમ્યાન ચંદન ચોરી કરતી ટોળકીએ ભવનાથમાં આવેલી લાલઢોરીથી પુનીત આશ્રમના શેઢા પર રેવન્યુ વિસ્તારમાં આવેલા ચંદનના છ વૃક્ષનું છેદન કર્યું હતું.અને તેમાંથી કિંમતી લાકડું કાપી તેની ચોરી કરી લઈ ગયા હતા.
સવારે વૃક્ષો કપાયેલી હાલતમાં જોવા મળ્યા હતા.બાદમાં વનવિભાગને જાણ થતાં ત્યાં જઈ તપાસ કરતા છ વૃક્ષ કટર જેવા હથીયાર વડે કાપી કિંમતી લાકડાની ચોરી થઈ હોવાનુ સામે આવ્યું હતું. આ અગાઉ દાતાર પર્વત પગથિયાં નજીકના જંગલ વિસ્તારમાંથી પણ ચંદનના વૃક્ષો કાપી તેની ચોરી કરતી ટોળકી પકડાઈ હતી.ત્યાં ભવનાથ વિસ્તારમાં ફરી ચંદનના વૃક્ષ કાપી કિંમતી લાકડાની ચોરીની ઘટનાથી રોષ ફેલાયો છે.હાલ વનતંત્ર દ્વારા ચંદનચોર ટોળકીને પકડવા તપાસ શરૂ કરી છે.ત્યારે હવે શું થાય છે તે જોવુ રહ્યું.