હોમ કવોરન્ટાઈનમાં લોકોએ દર કલાકે મોકલવાનું રહેશે લોકેશન
- જૂનાગઢ શહેર તથા જિલ્લા વિસ્તારમાં
- હોમ કવોરન્ટાઈનમાં રહેલા તમામ લોકોએ એપ ફરજીયાત ડાઉનલોડ કરી દિવસમાં બે વખત સેલ્ફી સાથે ભરવાનું રહેશે ફોર્મ
જૂનાગઢ, તા.09 એપ્રિલ 2020, ગુરૂવાર
જૂનાગઢ શહેર તથા જિલ્લા વિસ્તારમાં હોમ કવોરોન્ટાઈનમાં રહેલા તમામ લોકોએ કોવિડ-૧૯ કવોરોન્ટાઈન રિપોર્ટીંગ એપ ફરજીયાત ડાઉનલોડ કરી તેના પર દર કલાકે પોતાનું જી.પી.એસ. લોકેશન મોકલવાનું રહેશે. આ ઉપરાંત દિવસમાંબે વખતસેલ્ફી સાથે એપમાં આવેલું ફોર્મ ભરવાનું રહેશે.
દેશ તથા અન્ય રાજયમાંથી આવેલા લોકોને ૧૪ દિવસ હોમ કવોરોન્ટાઈનમાં રહેવા સલાહ આપવામાં આવે છે. પરંતુ અમુક લોકો હોમ કવોરોન્ટાઈનમાંથી બહાર નીકલી જતા હોવાની ફરિયાદો થાય છે.
જૂનાગઢ જિલ્લા કલેકટરે જાહેરનામુ પ્રસિધ્ધ કરી હોમ કવોરોન્ટાઈનમાં રહેલા તમામ લોકોએ કોવિડ - ૧૯ કવોરોન્ટાઈન રિપોર્ટીંગ એપ ડાઉનલોડ કરવા અને તેમાં દર કલાકે જી.પી.એસ. લોકેશન મોકલવા તેમજ દિવસમાંબે વખત એપ્લીકેશનમાં આપવામાં આવેલું ફોર્મ સેલ્ફી સાથે ભરવા હુકમ કર્યો છે.
જે વ્યક્તિ હોમ કવોરોન્ટાઈનમાં છે અને તેની પાસે સ્માર્ટ ફોન નથી. અથવા તો આવા વૃધ્ધ વ્યક્તિને ફોન ઓપરેટ કરતા નથી ફાવતું? તે લોકોએ શું કરવાનું? તેનો તંત્રએ કોઈ ફોડ પાડયો નથી.