સોરઠમાં ભારે વરસાદને લીધે પાકનો નાશ થતા ખેતમજૂરોની રોજી છીનવાઈ
- માંગરોળ તાલુકાના 13 ગામો બેટમાં ફેરવાયા છે સર્વે કરાયો
- જૂનાગઢ જિલ્લા કોંગ્રેસે કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી તાકિદે સર્વે કરી શ્રમિકો- ખેડૂતોને કેશડોલ ચુકવવા કરી માંગ
જૂનાગઢ, તા.03 ઓક્ટોમ્બર 2019, ગુરુવાર
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકનો નાશ થયો છે. સતત વરસાદના લીધે ખેત મજૂરો બેકાર થઈ ગયા છે. આ મામલે જિલ્લા કોંગ્રેસે કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી તાકિદે સર્વે કરી શ્રમિકો તથા ખેડૂતોને કેશડોલ ચુકવવામાં આવે એવી માંગ કરી છે.
જૂનાગઢ જિલ્લામાં થયેલા ભારે વરસાદ તથા નદીઓના પૂરના કારણે ખેડૂતોના ઉભા પાક જેવા કે કપાસ, મગફળી, તલ, કઠોળ સહિતના પાકોનું ધોવાણ થઈ ગયું હતું. મોંઢે આવેલો કોલીયો ઝૂંટવાઈ જતા ખેડૂતોની કફોડી હાલત થઈ છે. સતત વરસાદ પડયો હોવાથી ખેતી સાથે જોડાયેલા શ્રમિકો બેકાર બન્યા છેે. ભારે વરસાદથી ખેડૂતો અને શ્રમિકોની કફોડી હાલત સર્જાઈ છે.
વિસાવદરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે પાકનો નાશ થવાથી શ્રમિકો બેકાર થઈ ગયા છે. તેને તથા ખેડૂતોને તાકિદે કેશડોલ ચુકવવી જોઈએ. જ્યારે માંગરોળના ધારાસભ્યએ જણાવ્યું હતું કે માંગરોળ તાલુકાના ઘેડ પંથકમાં આવેલા ૧૩ ગામ બેટમાં ફેરવાયા છે. આથી તાકિદે સર્વે કરી ખેડૂતોને તેની નુકસાનીનું વળતર ચુકવવા માંગ કરી હતી.
આ સહિતના મુદ્દે જિલ્લા કોંગ્રેસના આગેવાનો- ધારાસભ્યોએ કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું.