ગુજરાત - મહારાષ્ટ્રમાં ચોરી કરતી તાડપત્રી ગેંગના છ રીઢા તસ્કર ઝડપાયા
- મુંબઇના બદલાપુર અંબરનાથ જી.આઇ.ડી.સી.માંથી
- જૂનાગઢમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં થયેલી ચોરીની તપાસ દરમ્યાન અન્ય સ્થળેથી ચોરી થયેલો 77.44 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી એલ.સી.બી.
જૂનાગઢ, તા. 1 ડિસેમ્બર 2019, રવિવાર
જૂનાગઢના સાબલપુર નજી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી થયેલી ૨૧.૮૯ લાખના મુદ્દામાલની ચોરી મામલે એલ.સી.બી.એ મુંબઇના બદલાપુર અંબરનાથ જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી ગુજરાત - મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ચોરી કરતી તાડપત્રી ઉર્ફે ગોધરા ગેંગના છ રીઢા તસ્કરને ઝડપી લીધા હતા અને આ શખ્સો પાસેથી ૭૭.૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
થોડા સમય પહેલા જૂનાગઢના સાબલપુર ચોકડી નજીક ટ્રાન્સપોર્ટના ત્રણ ગોડાઉનમાંથી ૨૧.૮૯ લાખની કિંમતના મુદ્દામાલની ચોરી થઇ હતી. આ અંગે ફરિયાદ થતા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ.આર.કે. ગોહિલે તપાસ હાથ ધરી હતી. જેમાં જે ટ્રકમાં સામાન લઇ જવાતો હતો. તે જી.જે.૬ વાય.વાય.૯૧૬૦ નંબરનો ટ્રક ઝીલોદના અબ્દુલ વડાબ ગની ટીંબીવાલાનો હોવાનું જાણવા મળ્યું હતું. તેની પૂછપરછ કરતા તેણે ટ્રક વડોદરાના રાજેન્દ્ર ઉર્ફે રાજુ બોડીયો ઉર્ફે કાકો કેશવલાલ સુથારને વેંચી નાખ્યો હોવાનું જણાવ્યું હતું.
બાદમાં એલ.સી.બી.ના નવનિયુકત પી.આઇ.આર.સી. કાનમીયાએ તપાસ શરૂ કરી હતી અને રાજેન્દ્ર ઉર્ફે રાજુ બોડીયો ગોધરા હોવાની બાતમી મળતા એલ.સી.બી. ત્યાં પહોંચી હતી. પરંતુ તે ત્યાંથી ગોધરાના અસ્ફાક અબ્દુલ ઝભા સાથે મુંબઇ તરફ નાસી ગયો હતો. આથી એલ.સી.બી.ની ટીમ મુંબઇ પહોંચી હતી. જ્યાં બદલાપુર અંબરનાથ જી.આઇ.ડી.સી.માંથી ચોરીમાં સંડોવાયેલા ટર્ક સાથે રાજેન્દ્ર ઉર્ફે રાજુ બોડીયો કેશવલાલ સુથાર, ગોધરાના અશ્ફાક અબ્દુલા ઝભા, ઇસ્હાક મહમદ ઇબ્રાહીમ મોરા, જાકીર, ઇસ્માઇલ યાકુબ હુરી તથા મુસ્તાક ઉર્ફે હાજી હુસેન હુરીને ઝડપી લીધા હતા. અસ્ફાકની પૂછપરછમાં તેણે ચોરીનો મુદ્દામાલ કડી સરવાવ ફાટક ખાતે, જૂનાગઢ હાઉસીંગ સોસાયટીમાં પરેશ કાન્તીલાલ દેવાણી હસ્તકના ગોડાઉનમાં રાખ્યાનું અને જૂનાગઢ બાલકૃષ્ણ ટાયરની દુકાનમાં પણ આપ્યાની કબુલાત આપી હતી.
આથી એક ટીમ કડી રવાના થઇ હતી. જ્યારે પી.આઇ. એચ.આઇ. ભાટીની ટીમ જૂનાગઢ તપાસ માટે આવી હતી અને બન્ને જગ્યા એવી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
એસ.પી. સૌરભસિંહે જણાવ્યું હતું કે, આ આંતરરાજ્ય તસ્કર ગેંગ ખુબજ શાતીરતાથી ચોરીને અંજામ આપતા હતા. આ શખ્સોએ જૂનાગઢના ગોડાઉન ઉપરાંત ગુજરાત મહારાષ્ટ્રમાંથી ૨૫ થી વધુ ચોરી કરી છે. તે ચોરી કરેલા૭૭.૪૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ શખ્સોએ જૂનાગઢ ઉપરાંત અમદાવાદ, મોરબી, ચોટીલા, ધંધુકા, વાપી, વડોદરા, મોડાસા, પૂણે, મુંબઇ સહિતના શહેરોમાં ચોરી કરેલી છે. રાજેન્દ્ર ઉર્ફે રાજુ બોડીયા સામે નવ, અસ્ફાક સામે બાર, ઇસ હાક સામે બે તથા મુસ્તાક સામે એક ગુનો નોંધાયેલો છે.
આ તસ્કરો શોરૂમ - ગોડાઉન દુકાનો તોડી સામાન ટ્રકમાં ભરી નાસી જતા અને ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરતા અને સામાન વેંચી નાખતા હતા. ટોલનાકા ખાતે ટ્રક જોવા ન મળે તે મ ાટે અંતરિયાળ રસ્તેથી નાસી જતા હતા.