ઓઝત નદીના પૂરના લીધે ઘેડ પંથક જળબંબાકાર
- સરાડીયા પાસે પૂરના પાણીના લીધે બાંટવા-કુતિયાણાનો રસ્તો બંધ
- બાંટવા ખારા ડેમના ૧૨ દરવાજા ખોલાતા સમેગા, કોડવાવ, એકલેરા ગામના રસ્તા બંધ
- વેકરી ગામ તરફનો વાહન વ્યવહાર બંધ
જૂનાગઢ, તા. 7 જુલાઈ 2020, મંગળવાર
જૂનાગઢ જિલ્લામાં વરસેલા વરસાદથી ઓઝત, સાબલી, ઉબેણ સહિતની નદીઓમાં ભારે પૂર આવ્યું હતું અને ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાયા હતા. જ્યારે સરાડીયા નજીક પૂરના પાણીના રોડ પર આવી જતાં બાંટવા-કુતિયાણા વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો હતો. તો બાંટવા ખારા ડેમના ૧૨ દરવાજા ખોલવામાં આવતા સમેગા, કોડવાવ, એકલેરા ગામનો રસ્તો બંધ થઈ ગયો હતો. જ્યારે ઘુઘવી નદીના પૂરના કારણે વેકરી તરફનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો.
જૂનાગઢ જિલ્લામાં આજે પણ અવિરત મેઘસવારી જારી રહી હતી. ગઈકાલે ઓઝત નદીમાં ભારે પૂર આવ્યું હતું. આ પાણી ઘેડ પંથકમાં પહોંચતા કેશોદ માંગરોળ અને માણાવદર તાલુકામાં આવેલા ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાયા હતા અને ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ હતી.
જ્યારે આજે માણાવદર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પાંચથી છ ઈંચ વરસાદ થયો હતો. સીમ વિસ્તારના પાણી અને ઘુઘવી નદીનું પાણી સ્ટેટ હાઈ-વે પર આવી જતાં બાંટવા-કુતિયાણા વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો હતો.
જ્યારે આજે બાંટવા ખારા ડેમના ૧૨ દરવાજા ખોલવામાં આવતા સમેગા, કોડવાવ, થાપલા, એકલેરા સહિતના ગામો તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો. આ ઉપરાંત ભાદર નદીના પૂરના પાણી વેકરી ગામ સુધી પહોંચી ગયા હતા અને ઘુઘવી નદીના પૂરના કારણે સરાડીયાથી વેકરી તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો.