ગેસ સિલીન્ડરના ભાવ વધારી સબસિડી પણ કરી દીધી બંધ
- સામાન્ય પ્રજાજનોને આંકડાની માયાજાળમાં ફસાવી
- કરોડોના રાહત પેકેજની ભ્રમજાળના બદલે પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલીન્ડરના ભાવમાં રાહત આપવા લોકોની માગણી
જૂનાગઢ, તા. 16 જુલાઈ, 2020, ગુરૂવાર
સરકારે સામાન્ય પ્રજાજનોને ગેસ સિલીન્ડરની સબસિડીના આંકડાની માયાજાળમાં ફસાવી ધીમે-ધીમે ગેસ સિલીન્ડરના ભા વધારી દીધા છે અને હળવેકથી સબસીડી પણ બંધ કરી દીધી છે. ગત મે માસથી સબસીડી જમા થઈ નથી અને મોંઘવારીથી ત્રસ્ત પ્રજાજનોને વધુ એક ડામ આપવામાં આવ્યો છે. હજારો કરોડોના રાહત પેકેજની ભ્રમજાળના બદલે પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલીન્ડરના ભાવમાં રાહત આપવામાં આવે એવી લોકોમાંથી માગ ઊઠી છે.
કોરોનાના કપરા સમયમાં વેપાર-ધંધા ઉદ્યોગ મંદ ગતિએ ચાલી રહ્યા છે અને લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, પરંતુ સરકારે સામાન્ય લોકોને ગેસ સિલીન્ડરના ભાવ અને તેની સબસિડીની રકમના આંકડાની માયાજાળમાં ફસાવી ધીમે-ધીમે ગેસ સિલીન્ડરના ભાવ વધારી દીધા અને સબસિડીની રકમ ઘટાડી દીધી અને મે-૨૦૨૦થી તો સબસિડીની રકમ જમા કરવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે.આ અંગે જૂનાગઢના સિનીયર સિટીઝન અને એસ.ટી. નિવૃત્ત કામદાર સંગઠનના પ્રમુખ પી. વી. ઠાકરે જણાવ્યું હતું કે તેઓ સબસિડીની રકમ જમ ન થતા એજન્સી ખાતે રૂબરૂ ગયા હતા તો હાલ સબસીડી બંધ છે. સરકાર આદેશ કરશે ત્યારે કાર્યવાહી થશે તેવો જવાબ મળ્યો હતો.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ક્રમે-ક્રમે ગેસ સિલીન્ડરનો ભાવ વધારો કરી હાલ ૬૦૮.૫૦ રૂપિયા છે. આગામી સમયમાં તેમાં પણ વધારો થશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના બેરલનો ભાવ ઘટયો તો પણ સતત ૨૩ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ૨૩ દિવસમાં પેટ્રોલ-ડીઝલ ૧૦-૧૦ રૂપિયા મોંઘુ થઈ ગયુ છે. તેના લીધે મોંઘવારી વધી છે.
સરકાર હજારો કરોડોના આર્થિક પેકેજ આપ્યાના દાવાઓ કરી પ્રજાજનોને ભ્રમજાળમાં ફસાવે છે. પરંતુ આવા પેકેજની જાહેરાતન બદલે પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલીન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવે એ જરૂરી છે. મોંઘવારીથી પીડાતી પ્રજાને પણ આર્થિક પેકેજની નહીં પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલીન્ડરનો ભાવ ઘટે તેમાં જ રસ છે. નહીં કે આંકડાઓની ભ્રમજાળમાં.