કમોસમી વરસાદથી ઘઉં, ધાણાં-જીરૂ, તથા તુવેરના પાકમાં નુકસાનીની ભિતી
- કેશોદ, માળીયા હાટીના પંથકમાં થયેલા
- ચોમાસામાં ભારે વરસાદ ત્યારબાદ કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન બાદ ફરી માવઠુ થતા ખેડૂતોની કફોડી હાલત
જૂનાગઢ,તા. 3 ડિસેમ્બર 2019, મંગળવાર
કેશોદ, તથા માળીયા હાટીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ થયેલા કમોસમી વરસાદથી ઘઉં, ધાણા જીરૂ, તુવેરના પાકમાં નુકસાન થવાની ભિતી સર્જાઈ છે. આમ આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની કફોડી હાલત ઉભી થઈ છે.
ચોમાસામાં ભારે વરસાદથી મગફળી, કપાસ, કઠોળ સહિતનાં પાકને ભારે નુકશાન થયું હતું. ત્યારબાદ નવરાત્રી, દિવાળી, દેવદિવાળી પર પણ કમોસમી વરસાદ થતા ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું હતું. ત્યારે ચોમાસામાં સારો વરસાદ થયો હોવાથી ખેડૂતોને રવિપાક સારો થશે તેવી આશા હતી. પરંતુ હાલ અમુક વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થઈ ગયું છે. તો અમુક વિસ્તારમાં બાકી છે. માળીયા હાટીના, કેશોદ, તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘઉ, ધાણા, તુવેરનું વાવેતર છે. અમુક ગામોમાં જીરૂનું વાવેતર થયું છે.
આજે થયેલા કમોસમી વરસાદથી ધાણાના પાકમાં સુકારો આવે એવી શકયતા છે. તેમજ ઘઉનું તાજેતરમાં જ વાવેતર કર્યું છે. તે દબડાઈ જવાથી વ્યવસ્થિત ન ઉગે તેવી ભિતી છે. જયારે તુવેરના પાકમાં ફુલ તેમજ શીંગ ખરી જાય તેવી શકયતા છે.
આ ઉપરાંત જયાં જીરૂનું વાવેતર થયું છે. ત્યાં પણ નુકસાન થાય તેવી ભિતી છે. આમ ચોમાસુ પાકનું નુકસાન સહન કર્યા બાદ થયેલા કમોસમી વરસાદની અસર રવિપાક પર પણ થતા ખેડૂતોની કફોડી હાલત ઉભી થઈ છે. અને આ કમોસમી વરસાદ ખેડૂતો પર પડયા પર પાટુ સમાન સાબીત થઈ રહ્યો છે.