જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો
- તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન મુદ્દે માથાકૂટ
જુનાગઢ, તા. 4 જાન્યુઆરી, શુક્રવાર
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે બપોરે ટેકાના ભાવે તુવેરની ખરીદી મામલે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. પરિણામે ઓનલાઇન રજિસ્ટ્રેશનની કામગીરી અટકી પડી હતી.
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સરકારના ધારાધોરણ પ્રમાણે તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા આજે સવારથી શરૂ કરવામાં આવી હતી. પરિણામે મોટી સંખ્યામાં ખેડૂતો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા માટે ઉમટી પડ્યા હતા.
પરંતુ બપોર સુધીમાં કેટલાક ખેડૂતોના રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા ચાલુ રખાઈ હતી પણ ટોકન આપવાનું બંધ કરી દેવામાં આવતા સવારથી લાઇનમાં ઉભેલા ખેડૂતો ઉશ્કેરાઇ ગયા હતા અને તેમણે જવાબદાર અધિકારીઓને રોષભેર રજૂઆત કરી હતી. પરિણામે online રજીસ્ટ્રેશનની કામગીરી પણ અટકી પડી હતી. જોકે બાદમાં અધિકારીઓએ સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.