28 થી 30 ટકા જ નુકસાનની આકારણી થતાં ખેડૂતોમાં રોષ
- કમોસમી વરસાદ બાદ પાક નુકસાનના સર્વે દરમ્યાન
- જૂનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને થયેલા નુકસાન મુજબ સર્વે કરવા કલેકટરને કરાઈ રજૂઆત
જૂનાગઢ, તા. 15 નવેમ્બર 2019, શુક્રવાર
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ નુકસાની અંગે સર્વે શરૂ થયો હતો. પરંતુ ખેડુતોને જે નુકશાન થયું છે. તેના બદલે ૨૮થી ૩૦ ટકા જ નુકસાન થયાની આકારણી થઈ રહી છે. જેની સામે ખેડુતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતને તેના પાકનું જે નુકશાન થયું છે તે મુજબ સર્વે કરવામાં આવે એવી માંગ સાથે કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોની કફોડી હાલત થઈ છે. ઉભો પાક તથા ખેતરમાં તૈયાર થયેલા પાકને નુકસાન થયું છે. આ નુકસાનીના સર્વે માટે તંત્ર દ્વારા ટીમ બનાવી જે ખેડૂતોએ અરજી કરી હતી તે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ જૂનાગઢ તાલુકાના સાંખડાવદર સહિતના ગામોમાં જે સર્વે થયો છે ત્યાં માત્ર ૨૮થી ૩૦ ટકા જ નુકસાનની આકારણી કરવામાં આવે છે.
આથી સાંખડાવદર ગ્રા.પં.એ ખેડૂતોને જે નુકસાન થયું છે તે મુજબ સર્વે કરી નુકસાનીની આકારણી કરવામાં આવે એવી માંગ સાથે કલેકટરને રજૂઆત કરી છે. જયારે ગઈકાલે જૂનાગઢ તાલુકાના ઝાલણસર, માકીયાળા, સહિતના આસપાસનાં ગામોમાં ધોધમાર કમોસમી વરસાદ થયો હતો. જેથી મગફળી કપાસ સહિતનાં પાકને ભારે નુકસાન થયું છે. શિયાળુ વાવેતરનો સમય વીતી રહ્યો છે. ચોમાસુ પાકમાં નુકસાન થવાથી ખેડુતોની કફોડી હાલત થઈ છે. આથી તાકિદે આ વિસ્તારમાં સર્વે કરી સહાય તથા પાકવીમો ચુકવવામાં આવે એવી માંગ ઉઠી છે.