પ્રખ્યાત કણીદાર ચીકુથી વંથલીનું ફ્રૂટ યાર્ડમાં ઉભરાયું: દરરોજ અઢી લાખ કિલોની આવક
બાગાયત પાક માટે રાજયભરમાં વંથલી અવ્વલ નંબરે : વાતાવરણની ચીકુની કવોલેટી પર અસર થતા ગત વર્ષની સરખામણીએ ભાવમાં મણ દિઠ 400નો ઘટાડો, ગુજરાત સહિત અન્ય રાજયમાં ચીકુની માંગ
જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લાનો વંથલી તાલુકો બાગાયત પાક માટે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. વંથલી પંથકમાં કેરી, ચીકુ, રાવણા, સીતાફળનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. હજુ કેરીની સિઝનની શરૂઆત થઈ રહી છે ત્યારે વંથલીમાં રોજના અઢી લાખ કિલો ચીકુની જંગી આવક શરૂ થઈ ગઈ છે. વંથલીના ચીકુ ગુજરાતના શહેરો સિવાય અન્ય રાજયમાં પણ મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ એક મણે ૪૦૦ રૂપીયા આસપાસ ભાવ ઓછો આવતા ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
વંથલીના ફ્રૂટ યાર્ડમાં હાલ ચીકુની મબલખ આવક થઈ રહી છે. વંથલી તાલુકામાં ચીકુ સહિતના બાગાયતી પાકોનું સારૂ એવું ઉત્પાદન થાય છે. વંથલી ફ્રૂટ યાર્ડમાં દરરોજ છ હજારથી વધુ ગુણી ચીકુની આવક થઈ રહી છે. ચીકુની એક ગુણીમાં 40 થી 45 કિલોની ભરતી હોય છે. ગત વર્ષની સરખામણીએ ચીકુના ભાવ ઓછા મળી રહ્યા છે. હાલ ચીકુના 400 થી 700 રૂપીયા પ્રતિ મણના ભાવે હોલસેલમાં વેંચાય રહ્યા છે. વંથલીના ચીકુની રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં ઉપરાંત રાજસ્થાનના જયપુર, ઉદયપુર અને દિલ્હી સહિતના મેગા સીટીમાં ડિમાન્ડ છે.
આ વર્ષે પાણીની પુરતી સુવિધા હોવાથી ચીકુનું ઉત્પાદન સારૂ થયું છે. દિવાળી પછી ચીકુનો ફાલ આવવાની શરૂઆત થઈ જાય છે અને ચોમાસાની શરૂઆત સુધી ચીકુનો ફાલ આવે છે. ચીકુની સિઝન દરમ્યાન એક વૃક્ષ પરથી અંદાજીત 12 થી 15 મણ ચીકુનો ઉતારો આવે છે. વંથલી તાલુકામાં ચીકુના બગીચામાં હાલ ધમધમાટ જોવા મળી રહ્યો છે. ખેડૂતો ચીકુના ઝાડ પરથી ઉતારો કરીને તેને અલગ-અલગ વકલ પાડી વંથલીના ફ્રૂટ યાર્ડમાં વેંચાણ અર્થે લાવી રહ્યા છે.
ગત વર્ષે એક મણ ચીકુનો ભાવ 800 થી 1100 હતો. જે ચાલુ વર્ષ કરતા ઘણો ઓછો ભાવ છે. આ ભાવ ઘટાડાનું કારણે છે કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે ચીકુના પાકને નુકશાન થયું છે. જેથી જોઈએ તેવું ફળ નથી થયું. જોકે, ઉત્પાદન પર કોઈ ખાસ અસર નથી. પરંતુ વાતાવરણની અનિયમીતતા અને કમોસમી વરસાદના કારણે ચીકુને થયેલ નુકશાનના ભાગરૂપે ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેની બાગાયતી ખેડૂતોને સીધી અસર પહોંચી છે. ચીકુની ખેતી કરતા ખેડૂતો સરકાર સમક્ષ સર્વે કરાવી નુકશાનીના વળતરની માંગણી કરી રહ્યા છે.ભલે ચીકુના ફાલ પર થોડી અસર પડી હોય તેમ છતાં વંથલી ફ્રૂટ યાર્ડમાં ચીકુની સિઝન પુરબહારમાં ચાલી રહી છે. સ્થાનિક બજાર ઉપરાંત સમગ્ર રાજય અને અન્ય રાજયમાં વંથલીના ચીકુ પેકિંગ કરી મોકલવામાં આવી રહ્યા છે.
વંથલીના ચીકુ પાકી ગયા પછી કાળા નથી પડતા
અન્ય વિસ્તારના ચીકુ પાકી ગયા પછી થોડા કાળા પડી જાય છે. પરંતુ વંથલીના ચીકુ પાકી ગયા પછી પણ સાકર જેવા મીઠા અને ખાંડ જેવા કણીદાર અને દેખાવમાં તથા ટકાઉમાં પણ અવ્વલ નંબરે રહેતા હોવાથી અન્ય વિસ્તાર કરતા વંથલીના ચીકુની માંગ વધુ રહે છે.