વંથલી તાલુકા ખ.વે. સંઘના પ્રમુખ પર જિલ્લા સહકારી બેંકના M.D.નો હુમલો
- બેઠક પૂર્ણ થયા બાદ ભાજપના સહકારી આગેવાનો વચ્ચે બબાલ
જૂનાગઢ, તા. 1 જૂન 2019, શનિવાર
વંથલીમાં આવેલી ખરીદ વેચાણ સંઘની ઓફિસ ખાતે ગઈકાલે સંઘની બેઠક હતી. તે બેઠક બાદ સંઘના પ્રમુખને જિલ્લા સહકારી બેંકના એમડીએ ''મારી મંડળીના સભ્યપદ માટે મેં કરેલી અરજીનું શું થયું તેમ પૂછતા પ્રમુખે તે અરજી જિલ્લા ભાજપની સુચનાથી પેન્ડીંગ છે તેમ કહેતા બેંકના એમ.ડી. સહિત ત્રણ શખ્સોએ સંઘના પ્રમુખને થપ્પડ મારી ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
''મારી મંડળીના સભ્ય પદ માટે મેં કરેલી અરજીનું શું થયું તેમ પૂછતા સંઘના પ્રમુખે જિલ્લા ભાજપની સુચનાથી તમારી અરજી પેન્ડીંગ છે તેમ કહેતા જ થપ્પડ તથા ઢીકા પાટુનો માર માર્યો, ત્રણ સામે નોંધાઈ ફરિયાદ
આ અંગેની વધુ વિગત મુજબ વંથલીના સૂર્યકુંડ રોડ પર વંથલી તાલુકા ખરીદ વેચાણ સંઘની ઓફિસ ખાતે ગઈકાલે સંઘની બેઠક હતી. બેઠક પૂર્ણ થયા બાદ સંઘના પ્રમુખ જેન્તીભાઈ ઉર્ફે કિરીટભાઈ રણછોડભાઈ ભીમાણી (ઉ.વ. ૬૨)ને જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના એમ.ડી. દિનેશભાઈ ખટારીયાએ ''મેં મારી મંડળીના સભ્ય પદ માટે કરેલી અરજીનું શું થયું એમ પૂછ્યું હતું.
આથી સંઘના પ્રમુખ જેન્તીભાઈ ઉર્ફે કિરીટભાઈ ભીમાણીએ જિલ્લા ભાજપની સુચનાથી તમારી અરજી પેન્ડીંગ છે. તેમ જણાવ્યું હતું. આથી દિનેશ ખટારીયાએ ઉશ્કેરાઈ જઈ વંથલી તાલુકા સંઘના પ્રમુખ જેન્તીભાઈ ઉર્ફે કિરીટભાઈ ભીમાણીને થપ્પડ મારી હતી. જ્યારે સેંદરડાના રમેશ ખટારીયા તથા આખા ગામના અરજણભાઈ નામના શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો અને મારી નાંખવા ધમકી આપી હતી.
આ અંગે વંથલી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જેન્તીભાઈ ઉર્ફે કિરીટભાઈ ભીમાણીે ફરિયાદ કરતા વંથલી પોલીસે દિનેશ ખટારીયા, રમેશ ખટારીયા અને અરજણભાઈ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ ભાજપના સહકારી ક્ષેત્રના આગેવાનો વચ્ચે થયેલા આ ડખ્ખાથી ચકચાર વ્યાપી ગઈ હતી.
વંથલી તાલુકામાંથી ૨૧ બોગસ મંડળી બનાવી છેઃ સંઘ પ્રમુખ
વંથલી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જેન્તીભાઈ ઉર્ફે કિરીટભાઈ ભીમાણીે જણાવ્યું હતું કે વંથલી તાલુકામાંથી ૨૧ બોગસ મંડળી બનાવી છે. જેની સામે અમે લડત આપીએ છીએ. આથી મારા પર હુમલો કરવામાં આવ્યો છે. પરંતુ અમારી લડત ચાલુ રહેશે. જ્યારે જિલ્લા સહકારી બેંકના એમ.ડી. દિનેશભાઈ ખટારીયાએ જણાવ્યું હતું કે આ ફરિયાદ રાજકીય છે તેમાં કંઈ તથ્ય નથી.